ગાંધીનગર : ચાર લાખનો ચેક રીટર્ન થતાં ખેડાના શખ્સને કોર્ટે ફટકારી બે વર્ષ કેદની સજા

જમીનના હિસ્સા પેટે આપેલા આઠ લાખ પૈકીનો ચાર લાખનો ચેક થયો હતો રિટર્ન

ગાંધીનગરનાં કોબાનાં રહીશને જમીનના હિસ્સા પેટે આપેલા આઠ લાખ પૈકીનો ચાર લાખનો ચેક રિટર્ન થતાં ગાંધીનગરના ચોથા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ખેડાના આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, ગાંધીનગર શહેર નજીક આવેલા કોબા ગામમાં રહેતા વાસુભાઈ ડાહયાભાઈ પટેલે વર્ષ 2010માં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં અતુલભાઈ મહેન્દ્રભાઈ ઉર્ફે મનુભાઈ વ્યાસ (રહે.સીંહુજ, તા. મહેમદાવાદ ખેડા)ને જમીન પેટે આઠ લાખ રૃપિયા આપ્યા હતા.

બાદમાં રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વેચાણ દસ્તાવેજ નહીં થતાં તેમણે 8 લાખ રૃપિયા પરત માંગ્યા હતા. જો કે તે પેટે વર્ષ 2019માં અતુલ વ્યાસે ચાર લાખ રૃપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક વાસુભાઇએ બેંકમાં જમા કરાવતા તે ચેક રિટર્ન થયો હતો.

જેનાં પગલે વાસુભાઈએ વકીલ મારફતે અતુલ વ્યાસને નોટિસ પણ ફટકારી હતી. પરંતુ તેનો પણ અતુલ વ્યાસે યોગ્ય જવાબ ન આપતાં ગાંધીનગર કોર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ વાસુ ભાઈના વકીલ અમૃત જેપાલે દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગરના ચોથા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે અતુલ વ્યાસને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તેમજ વળતર પેટે રૂ. 4 લાખ પણ ચૂકવી આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી