September 19, 2021
September 19, 2021

મંદિરોમાં ચોરી કરતી નટ ટોળકીનો એક શખ્સ ઝડપાયો

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાના 12 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠાના સુઇગામમાં આવેલ પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે LCBએ અંબાજી ખાતેથી નટ ગેંગનોએક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પૂછપરછમાં બનાસકાંઠાની સાથે પાટણ, મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લાના 12 જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો છે.

સુઇગામ ખાતે આવેલ પૌરાણિક શ્રી રાજેશ્વર મહાદેવના મંદિરમાં 11 જુલાઈએ રાત્રીના સમયે અજાણ્યા શખસોએ મંદિરના શિવલિંગને તોડફોડ કરતાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેને લઈ જિલ્લા પોલીસવડા તરુંણકુમાર દુગ્ગલ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને મંદિર ચોરીના આરોપીને શોધવા અલગ અલગ ટીમો બનાવવાની સૂચન આપી હતી.

ગત રોજ એલ.સી.બી પીઆઈ એચ.પી.પરમારને મળેલી ચોક્કસ બાતમીને આધારે અંબાજીની નટ ગેંગ સંડોવાયેલ આરોપી મણકાભાઇ પુનાભાઈ સોલંકી અટકાયત કરી પાલનપુર L.C.B. કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછ કરતાં આરોપીએ તેની સાથેના અન્ય 7 લોકોએ ભેગા મળી રાજેશ્વર મહાદેવ સુઇગામના મંદિરમાં ચોરી તેમજ તોડફોડ કરી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં અંબાજી નટ ગેંગ સાથે મળી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જીલ્લાના મંદિરોમાંથી 12 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.

નટ ગેંગ મંદિરોને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતા

નટ ગેંગના મુખ્ય સૂત્રધાર ભોપાલ ઉર્ફે ગોપાલ નટ તથા તેની જાતિના અન્ય માણસો અલગ અલગ જગ્યાઓમાં દર્શન કરવા જતાં અને ગામથી દૂર અને એકાંત જગ્યાએ આવેલ મંદિરોને ખાસ ટાર્ગેટ કરતા અને ભીડભાડ વાળી જગ્યાએ આવેલ મંદિરો જેમાંથી વધુ રોકડ તેમજ મુદ્દામાલ મળે તેવા મંદિરોમાં દિવસે કરેલ રેકી બાદ ચોરીઓ કરતા હતા. આ ચોરીઓ કરવા માટે ઇકો ગાડીનો ઉપયોગ કરતા જેથી ઝડપી ટાર્ગેટ કરેલી જગ્યા પર ચોરીઓ કરી ઇકો ગાડીમાં ઝડપી પોતાના વિસ્તારમાં પરત જતા રહેતા હતા.

 58 ,  1