શાહીબાગમાં ઘરફોડ ચોરી કરવા આવેલ સગીર ઝડપાયો

ગભરાઈ જઈ સગીર બાથરૂમમાં પૂરાઈ ગયો હતો

શહેરના શાહીબાગ વિસ્તારના એક ઘરમાં ચોરી કરવા પાછળના દરવાજાથી ધૂસેલા 13 વર્ષીય સગીરને પરિવારે ઝડપી લીધો હતો. ચોરી કરવા ઘુસેલ સગીર ડરી જતા બાથરૂમમાં પુરાયો હતો અને પરિવારે તેને પકડી લીધો હતો. ત્યારબાદ શાહીબાગ પોલીસને જાણ કરી સગીરાને પોલીસને સોંપ્યો હતો. આ અંગે શાહીબાગ પોલીસે સગીરના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

શાહીબાગ અંડરબ્રીજ પાસે આવેલ શાલીમાર ફ્લેટમાં ઉમંગ મત્તલ તેમના પરિવાર સાથે રહે છે. રવિવારના દિવસે ઉમંગભાઈ ઘરે લેપટોપમાં મુવી જોતા હતા અને તેમની માતા ઉમાબેન ગાર્ડનમાં ફરતા હતા, તે દરમિયાન એક 13 વર્ષીય સગીર તેમના ઘરમાં પાછળના દરવાજાથી ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો. બીજી બાજુ ઉમાબેન ગાર્ડનમાં ચાલી પોતાના રૂમમાં પરત ફર્યા હતા. ત્યારે તેમના રૂમની તીજોરી ખુલ્લી અને સામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો. જેથી ઉમાંબેને તેમના દિકરા ઉમંગને જાણ કરી હતી. જેથી ઉમંગ તેના પિતાન રૂમમાં જઈને જોયુ તે તેમના રૂમનો સામાન પણ વેરવીખેર પડ્યો હતો. બીજી તરફ તે જ રૂમના બાથરૂમ માંથી અવાજ આવતો હતો. જેથી બાથરૂમમાં કોઈ હોવાની શંકા જતા તેમણે ચેક કર્યું તો એક છોકરો જોવા મળ્યો હતો.

બીજી તરફ ઉમાંબેને પાડોશમાં રહેતા લોકોને ભેગા કરી લીધા હતા અને બાથરૂમમાં પુરાયેલા ચોરને ઝડપી લીધો હતો. ત્યારબાદ ઉમંગભાઈએ શાહીબાગ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પકડાયેલ સગીરની પુછપરછ કરતા તે 13 વર્ષનો અને વાડજનો હોવાનું જણાવ્યું હતું. આ મામલે શાહિબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.

 53 ,  1