થરાદ : માતાએ ચાર બાળકીઓ સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ

યુવતી સાથે બે બાળકીના મોત, બે બાળકીનો આબાદ બચાવ

થરાદ વાવ તાલુકાની જીવાદોરી સમાન નર્મદા  કેનાલ દિવસેને દિવસે ગોઝારી બનતી જાય છે. આ મહિનામાં આજે ત્રીજી સામુહિક આત્મહત્યા કરવાની ઘટના બની છે. 29 વર્ષીય યુવતીએ ચાર બાળકીઓ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં બે બાળકીઓને જીવિત બહાર કાઢી છે, જ્યારે યુવતી સાથે અન્ય બે બાળકીના મોત નીપજ્યા છે. આપઘાત કરનાર યુવતી વાવ તાલુકાના ચોથર નેસડાની છે તેમજ મૃતક યુવતીનું નામ દીવાળીબેન ખોડાભાઈ પરમાર છે. થરાદ ફાઇટરની ટિમ ઘટના સ્થળે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. 

વાવ તાલુકાના ચોથાનેસડા ગામની વતની ઓખાભાઈના લગ્ન સમાજના રિવાજ મુજબ સાટા પધ્ધતિથી વાવ તાલુકાના આશારા ગામે થયા હતા.  શનિવારે સવારે  સવારે ઓખાભાઈની પત્ની દિવાળીબેન પોતાના ચાર સંતાનોને લઈ પોતાના પિયર આશારા ગામે જવાનું કહી ને નીકળ્યા હતા.  તેઓ ઘરેથી નીકળ્યા બાદ પિયર જવાને બદલે પોતે ચાર સંતાનોને લઈ થરાદના  ઢીમા પુલ પાસે પસાર થતી મુખ્ય નહેરમાં પોતાની બાળકીઓ સાથે પડતું મુક્યું હતું. આ જોઈને આજુબાજુમાંથી પસાર થતા લોકો જોઈ જતા બૂમરાડ મચાવતા બાજુમાં આવેલ ગૌશાળામાં બેઠેલા લોકોએ દોડી આવી કેનાલમાં ડૂબતી બે બાળકીઓને બચાવી લીધી હતી. જ્યારે માતા અને બે બાળકીઓ કેનાલમાં ડૂબી જતા મોતને ભેટયા હતા.

આ ઘટના અંગે ગૌશાળાના નરેશભાઈએ  નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા  નગરપાલિકાની ટીમ ઘટના  સ્થળે આવી મૃતકોની  શોધખોળ હાથ ધરી હતી. ભારે  જહેમત બાદ  આ ત્રણે  મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણે મૃતદેહ થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટ મોર્ટમ બાદ વાલી વારસોને સોંપવામાં આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સામુહિક આપઘાતનું કારણ હજીસુધી જાણવા મળ્યું નથી.

 13 ,  1