ઉપલેટામાં જમવાની બાબતે તકરાર થતાં મંદિરના પરિસરમાં ખેલાયો ખુની ખેલ

અસ્થિર મગજ ધરાવતા વૃદ્ધ દલિત વ્યક્તિની મંદિરના પરિસરમાં જ હત્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટાને જાણે કોઈની નજર લાગી હોય તેમ છેલ્લા ઘણા સમયથી અહીંયા મારામારી તેમજ હત્યાઓની ઘટના સામે આવી રહી છે ત્યારે વાત કરીએ ઉપલેટા શહેરની કે જ્યાં મોજ નદી કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક માનસિક અસ્થિર મગજ ધરાવતા વૃદ્ધ દલિત વ્યક્તિની મંદિરના પરિસરમાં જ હત્યા કરી દેવાઈ છે અને બાદમાં હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી પલાયન પણ થઈ ગયો હતો.

ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં હત્યા કરી દેવામાં આવી છે જે બાદ ઉપલેટા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો જેમાં મૃતક માધવજીભાઈ ઉર્ફે બટુકભાઈ મેપાભાઈ વીંજુડા ઉ.વ. 64 વાળા વ્યક્તિ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા ત્યારે પરિવાર દ્વારા જણાવ્યું કે તેઓ થોડા અસ્થિર મગજના પણ હતા ત્યારે ઉપલેટા મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે બેઠા હતા ત્યારે ત્યાં રહેલ નારણભાઈ પોલાભાઈ ઘુલ સાથે જમવાની બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધેલ અને બાદમાં વધુ જપાજપી થતા નારણભાઈ ઘુલ દ્વારા બટુકભાઈને મોતને ઘાટ ઉતારી દીધા.

મૃતક બટુકભાઈ સોમનાથ મંદિર ખાતે અનેક વખત જતા હોઈ છે અને બાદમાં પરત ઘરે આવી જતા હોય છે પરંતુ હત્યાનો બનાવ બન્યો તે દિવસ બટુકભાઈ સમયસર ઘરે ન આવતા તેમના પરિવારના સદસ્યો તેમને સોધવા માટે નીકળેલ હતા ત્યારે પરિવારને જાણ થઈ કે બટુકભાઈ સોમનાથ મંદિર પાસે લોહી લુહાણ હાલતમાં પડ્યા હોવાનું માલૂમ પડતા તુરંત પરિવાર તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ બટુકભાઈ લોહી લુહાણ હાલતમાં મૃત મળતા પોલીસે લાશનો કબજો લઈ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલ અને ઘટના સ્થળ પર જેતપુર એ.એસ.પી. પણ આવી પહોંચ્યા હતા અને આ અંગેની વધુ તપાસ અને પુછતાછ હાથ ધરી હતી જે બાદ બટુકભાઈની હત્યા કરવામાં આવેલ હોઈ અને આ હત્યા નારણભાઈ પોલાભાઈ ઘુલ દ્વારા કરવામાં આવેલ હોવાનું માલુમ પડતા મૃતકના મોટાભાઈ દ્વારા નારણભાઈ પોલાભાઈ ઘુલ રહેવાસી ઉપલેટા ભવાનીનગર વાળા વિરૂદ્ધ હત્યા તેમજ એસ્ટ્રોસીટી એક્ટ મુજબ ઉપલેટા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આ ફરિયાદ બાદ પોલીસે અલગ-અલગ ત્રણ ટીમો બનાવી હત્યારાને શોધવાની અને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

નિર્દોષ દલિત વૃદ્ધ વ્યક્તિની હત્યા કરનાર નારણભાઈ પોલાભાઈ ઘુલની જો વાત કરવામાં આવે તો હત્યા કરનાર નશાની કુટેવ પણ ધરાવતો હોવાનું સામે આવ્યું અને હત્યા કરનાર વિરૂદ્ધ અગાઉ પણ અલગ-અલગ સાત પ્રકારની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાયેલ છે ત્યારે આ નશાની કુટેવ ધરાવતા વ્યક્તિએ એક નિર્દોષ વૃદ્ધ વ્યક્તિની હત્યા કરી અને જીવ લઈ લેતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે પોલીસે આ નિર્દોષ દલિત વૃદ્ધની હત્યા કરનાર હત્યારાની ધરપકડ કરી મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલ એસ્ટ્રોસીટી એક્ટ તેમજ હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ અને તપાસની આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ:- ભાવેશ ગોહેલ ઉપલેટા

 56 ,  1