સનકી આશિકે જાહેરમાં સગીરાને છરીના 32 ઘા મારી રહેંશી નાખી..

જેતપુર તાલુકાના જેતલસર ગામે હત્યાનો બનાવ

એકતરફી પ્રેમમાં પાગલ યુવક બન્યો કાતિલ

રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે હત્યાની સનસની ઘટના સામે આવી છે. એકતરફી પ્રેમમાં પાગલ 24 વર્ષના યુવકે 16 વર્ષની સગરાને ઘરમાંથી કાઢીને જાહેરમાં છરીના ઘા મારી રહેંશી નાખતા ચકચાર મચી ગઇ છે. પ્રેમમાં અંધ બનેલા કાતિલે છરીના ઉપરાછાપરી 32 ઘા માર્યા હતા. એટલું જ નહીં સગીરાને બચાવવા માટે વચ્ચે પડેલા 14 વર્ષના ભાઈને પણ હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા.

વિગત મુજબ, ગઇકાલે મંગળવારે બપોરના સમયે ભાઇ બહેન ઘરમાં એકલા હતા તે દરમિયાન આરોપી યુવક આવી પહોંચ્યો હતો. અને સગીરાને બહાર ઢસડીને કાઢી હતી. ‘તું મારી સાથે લગ્ન કર’ તેવું કહી આરોપી યુવકે ઢોરમાર માર્યો હતો અને પછી જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય ઘા માર્યા હતા.

પોલીસે જણાવ્યું કે જેતલસર ગામે જયેશ ગિરધરભાઈ સરવૈયાએ સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણીની હત્યા કરી છે. સૃષ્ટિ જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. સૃષ્ટિ હાઈસ્કૂલે જતી ત્યારે આરોપી તેની પાછળ જઈને તેને હેરાન પરેશાન કરતો. જયેશ તેને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતો હતો. છોકરીએ પોતાના માતા-પિતાને વાત કરતાં તેના પિતાએ જયેશના પિતા ગિરધરભાઈ સરવૈયાને પોતાના પુત્રને સમજાવવા વાત કરી હતી. સૃષ્ટિના પિતા ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી આરોપી જયેશે હત્યા કરી દીધી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

મંગળવારે બપોરે સૃષ્ટિના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને માતા શીતલબેન ગામથી દૂર આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયા હતા. સૃષ્ટિ અને તેનો ભાઈ બહેન એકલા પડતાં ઘરમાં ઘૂસી જઇ જયેશે છોકરીને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી. તેને ‘તું મારી સાથે લગ્ન કર’ તેવી જબરજસ્તી કરી હતી. છોકરીએ વારંવાર ના પાડતાં તેને ઢોરમાર માર્યો હતો અને પછી જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય ઘા માર્યા હતા. તેનો ભાઈ હર્ષ (ઉ.વ.14) પોતાની બહેનને બચાવવા આડો પડયો હતો. આરોપીએ છરીના પાંચ ઘા તેને પણ ઝીંકી તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને પીએમ અર્થે જેતપુર સિવિલ બાદ એફ.એસ.એલ.પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

તો બીજી તરફ વિરોધમાં આજે જેતલસર ગામે સ્વયંભૂ બંધ પાળ્યો છે. ગ્રામજનોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

 75 ,  1