September 19, 2021
September 19, 2021

ભાજપમાં 16 વર્ષથી સક્રિય નેતાએ ધારણ કર્યો AAPનો ખેસ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના નજીકના હતા કાર્યકર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપ, આપ સહિતના પક્ષોએ શરૂ કરી દીધી છે જેને પગલે નેતાઓની પક્ષપલ્ટ્ટાની મોસમ આવશે. સુરતમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી પોતાની સ્થિતિ દિવસેને દિવસે મજબૂત કરી રહ્યું છે. ફરી એક વાર આપે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણીએ આપમાં એન્ટ્રી કરી લીધી છે.

સુરતમાં ફરી એક નેતાએ ભાજપનો છેડો ફાડી AAPનો ખેસ ધારણ કર્યો છે. પૂર્વ વોર્ડ નં. 3 ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે AAPમાં ભળી ગયા છે. ઢોલ નગારા સાથે આમ પાર્ટી ગુજરાત નેતા મહેશ સવાણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આપનો ખેસ પહેરાવી તેમનું AAPમા સ્વાગત કર્યું હતુ. ભીખાભાઇનું સ્વાગત કરતાં મહેશ સવાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે. પ્રામાણિકતાથી માત્ર પ્રજાના સેવાના લક્ષ્ય સાથે ઉતરેલી પાર્ટીને હવે આમ આદમી સમજી રહ્યા છે જેથી ગુજરાતમાં સત્તા પરિવર્તન થવું નક્કી જેવુ જ છે.

16 વર્ષથી ભાજપમાં ખભોથી ખભો મિલાવીને કામ કરનાર ભીખાભાઇ લખાણી ગુજરાતનાઆ પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના નજીકના કાર્યકર તરીકે રહી ચૂક્યા છે. જ્યારે પણ આનંદીબેન પટેલ સુરત આવતા ત્યારે તેમની દુકાનની મુલાકાત અચૂક લેતા. પણ સમય અને સંજોગો પ્રમાણે રાજનીતિમાં ફેરફાર જોવા મળતા હોય છે. અને આથી જ હવે ભીખાભાઇ લખાણીની આપમાં પોતાનું ભવિષ્ય દેખાયું છે. આથી તેઓએ 200 કાર્યકર સાથે આપમાં પ્રવેશ કરી લીધો છે.

 87 ,  1