‘સાહેબ મને બચાવો, ભૂત મને મારી નાખશે’, જાંબુઘોડા પોલીસે ભૂતો સામે નોંધી ફરિયાદ

બે ભૂત જાનથી મારવાની આપે છે ધમકી

માનસિક બીમારીથી પીડાતા યુવકને શાંત પાડવા પોલીસ ફરિયાદ નોંધી 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં બે ભૂતો સામે અરજી નોંધવવામાં આવી છે. જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અરજદાર વરસન ભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકી પૈકીના ૨ ભૂતો દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસને લાગ્યું કે આ વ્યક્તિની માનસિક સ્થિતિ સ્થિર નથી. માટે તેને સાંત્વના આપવા માટે પોલીસે ફરિયાદ નોંધી લીધી. પોલીસ સબ ઈન્સ્પેક્ટરને લખવામાં આવેલી અરજી અનુસાર, જ્યારે ફરિયાદી પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ભૂતોની એક ટોળીએ તેને પરેશાન કર્યો હતો. પીએસઆઈ મયંક સિંહ જણાવે છે કે, રવિવારના રોજ જ્યારે તે પોલીસ સ્ટેશનમાં આવ્યો ત્યારે હું હાજર હતો. તે અત્યંત વ્યાકુળ હતો અને તેનું વર્તન પણ સામાન્ય નહોતું. અમે તેની ફરિયાદ નોંધી અને તેને બતાવી પણ, જેથી તે શાંત થઈ જાય.

પોલીસે તેના પરિવારનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરિવાર સાથે વાત કરતાં જાણવા મળ્યું કે યુવકની માનસિક સારવાર ચાલી રહી છે, જો કે તેણે પાછલા 10 દિવસથી દવા નથી લીધી. પીએસઆઈ જણાવે છે કે, અમે સોમવારના રોજ ફરી એકવાર તેની સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, હું પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યો કે મને લાગ્યું કે ત્યાં મને ભૂત હેરાન નહીં કરે. અમે તેના પરિવારને જણાવ્યું કે તે સુનિશ્ચિત કરે કે દવાઓ સમયસર લેવામાં આવે જેથી આ પ્રકારની સ્થિતિ ફરીથી ના સર્જાય.

 89 ,  1