બનાસકાંઠામાં પાલનપુર નજીક દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 10,200 બોટલો મળી આવી..

ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય પરંતુ રાજ્યમાં દારૂબંધીના દાવાઓ પોરળ સાબિત થઇ રહ્યા છે. દિનપ્રદિન રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં લાખોનો દારૂ ઝડપાઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં દારૂ ભરેલું ટેંકર ઝડપાયું છે. રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. જો કે બાતમીને આધારે પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસે વૉચ ગોઠવી આ ટેન્કરને ઝડપી પાડ્યું હતું. તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 42 લાખનો દારૂ જપ્ત કર્યો છે.

દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ યેનકેન પ્રકારે ઘૂસાડવામાં આવી રહ્યો છે. આજે ફરી એકવાર નવી મોડેસ ઓપરેન્ડીથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા દારૂના જથ્થાને બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલા એક ટેન્કરમાં દારૂ હોવાની બાતમી મળતા જ પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસે વૉચ ગોઠવી હતી.

આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા ઇન્ડિયન પેટ્રોલિયમ લખેલા ટેન્કરને થોભાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાંથી દારૂ મળી આવ્યો હતો. ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 10,200 બોટલ ઝડપાતા પોલીસે દારૂ અને ટેન્કર સહિત 63.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે ટેન્કર ચાલક મલ્લારામ વાઘારામ જાટ ની અટકાયત કરીને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 93 ,  1