દહેગામ : રખીયાલમાં લાકડાની શો મિલ ધરાવતા વેપારીએ કર્યો આપઘાત

મિલની ઓફિસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખીયાલ શહેરમાં લાકડાની શો મિલ ધરાવતા વેપારીએ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. બપોરે​​​​​​​ ઓફિસમાં ફાંસો ખાધેલી હાલતમાં વેપારી મળતા મિલમાં કામ કરતા કામદારોએ બૂમાબૂમ કરતા ટોળાં એકત્ર થયા હતા. તો બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી.

દહેગામ તાલુકાના રખિયાલ ગામે ભગવતી શો મીલ ધરાવતા ધીરજકુમાર શંકરભાઈ પટેલ ઉં.વ.40 શનિવારે બપોરે તેમની ઓફિસમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જણાતા શો મિલમાં કામ કરતા કામદારોએ બૂમાબૂમ કરી હતી.

બીજી તરફ શો મિલની બાજુમાં રહેતા ધીરજકુમારનાં કૌટુંબિકભાઈ પણ ઘટનાસ્થળે દોડી આવીને ધીરજકુમારના મૃતદેહને નીચે ઉતારી ખાનગી વાહનમાં તાત્કાલિક અસરથી રખિયાલના સરકારી દવાખાને લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગેની જાણ વાયુવેગે પ્રસરતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે રખિયાલ પોલીસને પણ જાણ થતાં તે પણ દોડી આવી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધીરજકુમારે ગળે ફાંસો ખાઇ જીવન કેમ ટૂંકાવ્યું? તે અંગે હાલ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી