વલસાડ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ ઇજાગ્રસ્ત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત, ઝોકું આવતા ટ્રકચાલકે ખાનગી બસને મારી ટક્કર

વલસાડમાં વહેલી સવારે હાઇવે 48 પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ખાનગી બસ સાથે ટક્કરમાં ટ્રક પલટી મારી ગઇ હતી. તો બીજી તરફ બસના આગળનો ભાગ ફુરચેફુરચા ઉડી ગયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, અકસ્માતમમાં ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના નંદાવલા ગામ નજીક આજે વહેલી સવારે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઇ રહેલી એક ટ્રકના ચાલકને અચાનક ઝોકું આવી જતા ટ્રકના સ્ટિયરિંગ  પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી ટ્રક બેકાબૂ બની ગઈ હતી. જે બાદમાં ટ્રક હાઇવે પરના ડિવાઈડર સાથે ટકરાઈ અને ડિવાઇડર કૂદાવીને સામેના ટ્રેક પર ધસી ગઇ હતી. આ દરમિયાન જ સામેના ટ્રેક પર એક ખાનગી બસ આવી હતી. ટ્રક સીધી જ આ બસ સાથે ટકરાઈ હતી. બંને વાહનો ધડાકા સાથે ટકરાતા 20થી વધુ મુસાફરોને ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ટ્રક અને બસના ડ્રાઇવર ગંભીર હાલતમાં છે.

અકસ્માતની જાણ થતા આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 70 ,  1