વડોદરાની મહિલા પર અમદાવાદના યુવકે ચાકુની અણીએ ગુજાર્યો બળાત્કાર

મહિલા સોશિયલ મીડિયાના મારફતે યુવકના સંપર્કમાં આવી હતી

મહિલાની ઇજ્જત લૂંટ્યા બાદ યુવકે આપી ધમકી

વડોદરા શહેરમાં ચાલુ કારમાં ચાકુની અણીએ અમદાવાદના યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. મહિલા ફેસબુક મારફતે અમદાવાદના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ યુવક મહિલાને મળવા વડોદરા આવ્યો હતો. આ દરમિયાન કારમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાકુ બતાવી ખુલ્લા ખેતમાં લઇ બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગેની વિગત મજબ, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી મહિલાના પતિ છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં ચોરીના ગુનામાં સજા કાપી રહ્યા છે અને સંતાનમાં તેઓને એક પુત્ર અને એક પુત્રી છે. બે મહિના અગાઉ અમદાવાદ ખાતે રહેતા આયુષ પાંડે નામના વ્યક્તિએ મહિલાના ફેસબુક એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાતા વાતચીત શરૂ થઈ હતી.

આરોપી યુવકે મહિલાને જણાવ્યું હતું કે, હું વડોદરા આવવાનો છું, તને ફોન કરીશ, ત્યાર બાદ મહિલા યુવકની સાથે કારમાં અમિતનગર સર્કલથી આજવા ચોકડી તરફ જવા નીકળી હતી. ચાલુ કારમાં આયુષ પાંડેએ મહિલાને પાણીની બોટલ આપી હતી, જે પીતા જ મહિલાને ચક્કર આવવાના શરૂ થયા હતા અને છરીની અણીએ મહિલાને ચૂપચાપ બેસાડી આયુષ કારને નિમેટા તરફ લઈ ગયો હતો અને ખુલ્લા ખેતરમાં મહિલાની મરજી વિરુદ્ધ કારમાં જ શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાની ઇજ્જત લૂંટ્યા બાદ આરોપી યુવકે મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે મારા અંકલ ગાંધીનગરમાં ડીવાયએસપી છે, તારાથી કશું થશે નહીં અને પોલીસ ફરિયાદ પણ ના કરતી, ત્યાર બાદ યુવક મહિલાને પરત અમિતનગર સર્કલ છોડી અમદાવાદ રવાના થઇ ગયો હતો. આ મામલે તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 72 ,  1