જમીન બાબતે અદાવત રાખી મહિલા વકીલ સાથે ધક્કામુક્કી કરી આપી ધમકી
શાહપુર પોલીસે બે વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથધરી
ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવતી મહિલાને અગાઉ જમીન બાબતની ઝઘડાની અદાવત રાખીને બે વ્યક્તિઓએ ધક્કામુક્કી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલા વકીલે શાહપુર પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ નોઁધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવતા અને ખાનપુરના હાજી બિલ્ડીંગમાં રહેતા ફરહીનબાનુ સૈયદ (ઉ.વ.28) તેમના કાકાના ઘરેથી પરત પોતાના ઘરે આવ્યા હતા ત્યારે પરવીન હઠીલા અને દીલનવાઝ સૈયદ બંન્ને અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરહીનબાનુને કહેવા લાગ્યા હતા કે, અહીંયાથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ધક્કા મુકી કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી ફરહીનબાનુએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા બંન્ને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.
આ અંગે ફરહીનબાનુએ શાહપુર પોલીસ સ્ટેશનમાં દીલનવાઝ સૈયદ અને પરવીન હઠીલાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એક મહિલા વકીલ સાથે નોકરી આપવાનું જણાવી ઠગાઈ થઈ હતી. ત્યારબાદ મહિલા વકિલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
416 , 1