ઇસનપુરની યુવતીને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો

નોકરી અપાવાનું કહી અંજાર લઇ ગયો અને ફોટા-વીડિયો ઉતારી લીધા

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી 18 વર્ષિય યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી યુવક અંજાર લઇ ગયો હતો. જ્યાં એક હોટલમાં લઇ ગયા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને નગ્ન ફોટા-વીડિયો ઉતારી લીધા હતા. ઉપરાંત ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. જો કે, યુવતીએ અમદાવાદ આવી આ મામલે ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુર વિસ્તારમાં 18 વર્ષિય છાયા (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે રહે છે. છાયાને નોકરીની જરૂર હતી. ત્યારે તેના જ વિસ્તારમાં રહેતો જયેશ ગણપતભાઇ ચુનારા મળ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મારે ઓળખાણ છે અને અંજારમાં જવું પડશે. પછી ત્યાં નોકરી મળી જશે. તેથી છાયા જયેશ સાથે પ્રાઇવેટ બસમાં અંજાર ગઇ હતી. જ્યાં એક હોટલમાં છાયાને રાખી હતી. ત્યારબાદ છાયાના પિતાની હત્યા કરવાની ધમકી આપી તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત છાયાના વીડિયો અને ફોટા પાડી લીધા હતા.

જયેશે ધમકી આપી હતી કે, બળાત્કાર અંગે પરિવાર કે કોઇને જાણ કરી તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી નાંખીશ. જો કે, અમદાવાદ આવતા જ છાયાએ પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ આખો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં છાયાએ જયેશ સામે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે જયેશની શોધખોળ હાથ ધરી છે.

 59 ,  1