થરાદમાં લુડો ગેમમાં 10 લાખનું દેવું થતાં યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ

 6 લોકોએ પઠાણી ઉઘરાણી કરતા યુવાને કર્યો આપઘાત

બનાસકાંઠામાં લુડો ગેમ રમતાં રૂપિયા 10 લાખનું દેવું થઈ જતા એક યુવકે કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કડક ઉઘરાણી કરતા લકોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ગઈકાલે  એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને નગરપાલિકાની ટીમે તરવૈયા સુલતાન મીરની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તપાસ કરતા મૃતદેહની તલાસી લેતાં ખિસ્સામાંથી એક મોબાઈલ તેમજ 500ના દરની 7 નોટ મળી આવી હતી. તેમજ મૃતક ભાભરના અંબેશ્વર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય યુવક પિયુષભાઈ અરવિંદભાઈ ઠક્કર  હોવાનું જાણવા મળ્યું હતુ.

તો બીજી તરફ પરિવારજનોને પણ જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ મૃતકના 6 મિત્રોએ સટ્ટાના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતાં આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. જેથી ત્રાસ આપનારા 6 લોકો સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. યોગ્ય ન્યાય નહિ મળે તો ભૂખ હડતાળ પર ઉતરવાની પરિવારે ચીમકી પણ ઉચ્ચારી છે.

પિયુષ ઠક્કર સોમવારે વહેલી સવારે ઘરેથી બાઇક નં. જીજે.08. બીપી 7285 લઈને નીકળ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી ઘરે પરત નહિ ફરતાં તેના પરિવારજનોએ ભાભર પોલીસ મથકે ગુમ થયાની લેખિત અરજી આપી હતી.

પિયુષનું મોટરસાઈકલ ભાભર તાલુકાના સનેસડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર પાસેથી મળી આવતાં યુવકે નહેરમાં ઝપલાવ્યું હોવાની આશંકાઓને લઈને તેના સગા સબંધીઓ મુખ્ય નહેર પરના રસ્તે ચાલી શોધવા નીકળ્યા હતા. અને મૃતદેહ મળ્યો તે સ્થળે પહોચ્યા હતા.

આ અંગે મૃતકના મોટાભાઇ સંજયભાઇ ઠક્કરે આક્ષેપો કરતાં જણાવ્યુ કે, શાકભાજી વેચીને મારો ભાઇ પરિવારને મદદ કરતો હતો. છેલ્લા અઢી મહિનાથી લુડો ગેમના સટ્ટામાં રૂ.10 લાખનું દેવું થઇ ગયું હતુ. જેમાં 4 લાખ તો ચૂકવી દીધા હતા. બાકીના નાણાં માટે ભાભરના 5 અને પાટણનો 1 શખ્સ મારા ભાઇ પાસે કડક ઉઘરાણી કરતાં હતા. જેમના ત્રાસના કારણે તેણે કેનાલમાં પડી આપઘાત કર્યો છે. અથવા તો તેની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેવાઈ છે. જ્યાં સુધી આ શખ્સો સામે ગૂનો નહી નોંધાય ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર નહી કરીએ.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર