September 23, 2021
September 23, 2021

AAPના સૌથી મજબૂત ગઢ સુરત જિલ્લા પ્રમુખને કરાયા સસ્પેન્ડ

આપના સંગઠન મંત્રી રામ ધડુકે કર્યા સસ્પેન્ડ, જાણો કેમ કર્યા

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં સત્તા પક્ષ ભાજપને ચૂંટણી હારવાનો ભય લાગી રહ્યો છે. બીજી બાજુ AAPના સૌથી મજબૂત ગઢ ગણતા સુરત જિલ્લા પ્રમુખ બટુક વાડદોરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હજી ડગલા માંડી રહી છે ત્યાં પાર્ટીના એક નેતાને પક્ષ વિરોધ પ્રવૃતિઓ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. AAPના દક્ષિણ ઝોન સંગઠન મંત્રી રામ ધડુકે મોડી રાત્રે બટુક વાડદોરિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

બટુક વાડદોરિયા પર આડકતરી રીતે ભાજપને મદદ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. પ્રદેશ કક્ષાએ વારંવાર ફરિયાદો પહોંચતા પક્ષ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પક્ષના કાર્યકર્તાઓને પક્ષ વિરુદ્વ ઉશ્કેરણી કરવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં AAPના નવા સંગઠનની રચનાને માત્ર એક મહિના જેટલો જ સમય થયો છે. નવા સંગઠનની રચના બાદ બે વખત આંતરિક વિવાદોની ઘટનાઓ સામે આવી છે. સૌપ્રથમ યુવા મોરચાના પ્રમુખે રાજીનામુ આપી સૌપ્રથમ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

AAPમાં સુરતથી પાટીદાર નેતાઓ જોડાતા પક્ષમાં પાટીદારોને અપાતા વધુ પડતા મહત્વને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રાજ્યના અન્ય મોટા સમાજોની પક્ષમાં અવગણના થતી હોવાની પણ ગણગણાટ શરૂ થયો છે. ભાજપ કોંગ્રેસના નારાજ પાટીદાર નેતાઓ, ઉદ્યોગકારો, યુવા આગેવાનોને પણ AAP દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પાટીદાર સમાજના આગેવાનો વધુ જોડાવાથી AAPને વિદેશોમાંથી મોટા પ્રમાણમાં ફન્ડીંગ આવવાની આશા છે. જેના કારણે થઈને પાટીદાર નેતાઓને વધુ પ્રધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનું AAPના અંગત સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે.

 53 ,  1