આરોપીને 3 દિવસ ગોંધી રાખી માર્યો ઢોર માર, ખોટો મેડિકલ રિપોર્ટ રજૂ કરતા પોલીસને આવ્યું કોર્ટનું તેડું

કોર્ટે લીંબાયત પોલીસના પીઆઈ એચ.બી.ઝાલા અને પીએસઆઈ જે.પી.સોલંકીને હાજર રહેવા હુકમ કર્યો 

સુરતમાં લીંબાયત પોલીસને પછડાટ ખાવાનો વારો આવ્યો છે. સામાન્ય મારામારીના કેસમાં લીંબાયત પોલીસે આરોપીને 3 દિવસ ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. આરોપીના પિતાએ જ્યારે પોલીસને આ બાબતે પૂછપરછ કરી તો પોલીસે કોઈ જવાબ આપ્યો ન હતો અને તેમને રવાના કરી દીધા હતા.

આરોપીના પિતાએ લીંબાયત પોલીસને તેમના દીકરાને કયા ગુનામાં અટકાયત કરી? તેને શા માટે આટલો ઢોર માર મારવામાં આવ્યો તે પ્રશ્નો પણ પૂછ્યા હતા પણ પોલીસે અટકાયત કરેલ આરોપીને મળવા દેવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

જોકે આરોપીના પિતાની દલીલ હતી કે તેમના દીકરાએ કોઈ લૂંટ, મર્ડરનો ગુનો કર્યો ન હતો, જેથી તેને આટલો માર કયા કારણોસર મારવામાં આવ્યો તે જાણવા પોલીસ તરફથી જવાબ ન મળતા તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે લીંબાયત પોલીસના પીઆઈ એચ.બી.ઝાલા અને પીએસઆઈ જે.પી.સોલંકીને હાજર રહેવા હુકમ કર્યો હતો.

પોલીસ દ્વારા માર માર્યાનો આક્ષેપ હોવાથી કોર્ટે સ્મીમેર હોસ્પિટલમાં તેને શારીરિક તપાસ માટે મોકલવા જણાવ્યું હતું. જોકે સ્મિમેરમાંથી પણ તબીબે ખોટા રિપોર્ટ બનાવીને આરોપીના શરીરે ઈજાના કોઈ જ નિશાન નહીં હોવાનું જણાવ્યું હતું.

આ વાત ધ્યાને આવતા કોર્ટે પોલીસ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના રિપોર્ટ બનાવનાર તબીબને પણ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો છે. આમ પોલીસના જુઠ્ઠાણા સાથે સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા પણ બોગસ રિપોર્ટ પકડાતા કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.

આરોપીનો હવે સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ રિપોર્ટ કાઢવામાં આવ્યો છે. જેમાં આરોપીના શરીર પર ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પી.આઈ. અને પીએસઆઈને તેમજ અન્ય ડી સ્ટાફને હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

 95 ,  1