અમદાવાદ : બિલ્ડરને ધમકાવી ખંડણી ઉઘરાવનાર આરોપીની ધરપકડ

‘હું મોટો ગેંગસ્ટર છું’ કહી રૂપિયા 10 લાખની ખંડણી માંગનારની દાણીલીમડા પોલીસે કરી ધરપકડ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બિલ્ડરને હું મોટો ગેંગસ્ટર છું તેમ કહી રૂપિયા 10 લાખની ખંડણી માંગનાર આરોપી અઝીઝુરહેમાન ઉર્ફે મામૂ ઉર્ફે બાપુ સૈયદની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડરની ભારત ટ્રેડર્સની ઓફિસમાં ઘૂસીને આરોપીએ રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. એટલું જ નહી બિલ્ડરને ધમકી આપી હતી કે, જો ઇમરાન રેસિડેન્સીની સ્કીમમાં ટોરેન્ટ પાવરનું કનેકશન કાઢીને તેનું ગેરકાયદેસર કનેક્શન નહીં લે તો તેની સાઈડ તોડાવી દેશે. બિલ્ડર પાસેથી બળજબરીથી રૂપિયા 30 હજાર પડાવી અને બાકીના રૂપિયા 9.70 લાખ ના આપતા ફરી ધમકી આપી હતી, જેથી બિલ્ડરે પોલીસનો સહારો લેતા દાણીલીમડા પોલીસે તાત્કાલિક આરોપી સામે પગલાં લઇ અને તેની ધરપકડ કરી હતી.

દાણીલીમડા વિસ્તારમાં ભારત ટ્રેડર્સમાં રહેતા ઇમરાન શેખ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. દાણીલીમડા વિસ્તારમાં તેમણે 2014માં ઇમરાન રેસિડેન્સી નામની સ્કીમ મુકી હતી. ગત સપ્ટેમ્બર માસમાં દાણીલીમડા આઇકોન રેસિડેન્સીમાં રહેતો અજીઝુરરહેમાન ઉર્ફે ભુરીયો સૈયદ તેની પાસેની નંબર વગરની સિલ્વર કલરની એક્સેસ લઇને ઈમરાનની ઓફિસ આવી જણાવ્યું હતું કે, ઇમરાન રેસિડેન્સી સ્કીમમાં ટોરેન્ટ પાવરનું કનેક્શન છે. જે તમામ કનેકશનો કાઢી નાખો અને મારી પાસેથી ગે.કા.વીજ કનેક્શનો ખરીદ કરો.

ઇમરાને કહ્યુ હતુ કે, હું કોઇ ગે.કા.વીજજોડણ લેવા માંગતો નથી. તેમ કહેતા તેણે કહ્યું કે, જો તમે મારી પાસેથી વીજજોડાણ ખરીદ નહી કરે તો હું તારી સાઇડ તોડાવી નાંખીશ અને હું મોટો ગેંગસ્ટર છું અને મારી પાસે મીડિયાનો પાવર છે. રૂ. 10 લાખ નહીં આપે તો તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી આ અજીબુરહેમાનનાઓ મારી ઓફિસ ખાતેથી તેની એકસેસ લઇ નીકળી ગયો હતો.

બાદમાં નવેમ્બર મહિનામાં ઇમરાન દુબઇ ગયો હતો, ત્યારે અજીઝુરરહેમાનએ તેના ગોડાઉન પર જઈ રેકોર્ડિંગ કર્યું છે એવો ફોન કરી પૈસાની માંગણી કરી હતી. આજે પૈસા લઈને જ જવાનો છું એમ કહી ધમકી આપતા ઇમરાને પોતે દુબઇ છે અને આવીને પૈસા આપશે એમ કહ્યું હતું. છતાં ન માનતા રૂ. 30 હજાર છે જે ઘરેથી અજીઝુરરહેમાનને ઈમરાનનો કારીગર મારફતે મોકલાવ્યા હતા. બાદમાં તે જતો રહ્યો હતો. 26 નવેમ્બરના રોજ ફરી અજીઝુરરહેમાને આવી બાકીના રૂ. 9.70 લાખ આપી દે એવી ધમકી આપતા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પાલડી, ગાંધીનગર, ગુજરાત યુનિવર્સિટી, કાગડાપીઠ અને દાણીલીમડા વિસ્તારમાં અનેક ગુના નોંધાયા છે. એટલું જ નહીં તેને પાસા પણ કરવામાં આવી હતી. પરંતુ ખુદને મોટો ગેંગસ્ટર સમજતો આરોપીને કાયદાનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખંડણીની ઉઘરાણી કરતો હતો. પરંતુ ફરી દાણીલીમડા પોલીસે આ ખંડણીખોરને કાયદાનું ભાન કરાવ્યું હતું. મહત્વનું છે કે, અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટરની જેમ ગેંગસ્ટર બનવા માંગતા અઝીઝુરહેમાનને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કુખ્યાત આરોપી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી