September 18, 2021
September 18, 2021

ગાંધીનગર કોર્ટમાં હાજર થયેલો આરોપી કાર ચોરી કરી થયો ફરાર..

લોકલ ક્રાઇમ બ્રાંચે ફરી ચોરને દબોચી લીઘો

ગાંધીનગર કોર્ટમાં વાહન ચોરીના ગુનામાં મુદ્દત ભરવા આવેલા ચોરીની આદતથી મજબૂર ચોરે અત્રેના સંકુલ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચાવીના આધારે કારની પણ ચોરી કરી લીધી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા રાંધેજા-પેથાપુર રોડ પરથી પાટણનાં 52 વર્ષીય રીઢા ચોર જયંતિ પ્રજાપતિને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં વધતા જતા વાહન ચોરીના બનાવો પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાબાનાં અમલદારોને સક્રિય કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ. પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, રાંધેજાથી પેથાપુર રોડ પરથી એક ઈસમ ચોરીની ઝેન કાર સાથે પસાર થવાનો છે. જે અન્વયે પોલીસ ટીમ ધ્વારા ઉક્ત વિસ્તારમાં વોચ ગોઠવીને ઝેન કાર (GJ-01-HC-3404) સાથે પાટણનાં કિમ્બુવા ગામના 52 વર્ષીય જયંતિભાઈ સોમાભાઈ પ્રજાપતિ ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પાસે ગાડીના દસ્તાવેજો માંગતા તે ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેની કડકાઈથી પૂછતાંછ કરતાં કાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આ અંગે ઇન્સ્પેકટર ઝાલાએ જણાવ્યું હતું કે, જયંતિ પ્રજાપતિ અગાઉ વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જે અંગે ગાંધીનગર કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ગત તા. 10મી ઓગસ્ટના રોજ કોર્ટમાં મુદત ભરવા માટે જયંતિ આવ્યો હતો અને મુદત પૂર્ણ થયા પછી ચોરીનો કીડો ફરીવાર તેના મનમાં સળવળ્યો હતો, અને કોર્ટ સંકુલ નજીકના ખુલ્લા મેદાનમાંથી ઉક્ત ઝેન કાર ચોરીને રવાના થઈ ગયો હતો.

આ અંગે સેકટર 7 પોલીસ મથકમાં ગુનો પણ દાખલ થયેલો છે. જયંતિ પ્રજાપતિ અગાઉ અલગ અલગ 6 ઝેન કાર તેમજ એક એક્ટિવા ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. જે ડુપ્લીકેટ ચાવીના આધારે વાહનો ચોરી કર્યા પછી તેના એન્જિન નંબર તેમજ ચેસીસ નંબર સાથે ચેડાં કરીને વેચી મારતો હતો.

 65 ,  1