વાડજમાં પરિણીત યુવતી પર એસિડ હુમલો, ત્રણ વર્ષનો બાળક પણ ઇજાગ્રસ્ત

પોલીસ ફરિયાદ પરત ખેંચવાની ધમકી આપી યુવકે કર્યો એસિડ હુમલો

શહેરના વાડજ વિસ્તારમાં એક પરિણીત યુવતી પર બાજુમાં રહેતા પાડોશીએ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતમાં પાડોશીએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મહિલાએ કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપીને અદાવત રાખી એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં યુવતી પગે દાઝી છે, તો આ સમયે ત્રણ વર્ષના બાળક પર પણ એસિડના છાંટા પડતા બાળકને પણ થોડી ઈજા પહોંચી છે.

જૂના વાડજ ચંદ્રભાગાનો ખાડો રમતજીની ચાલીમાં રહેતા કિરણબહેન (25) અને તેમના પતિ કિશોરભાઈ મંગાભાઈ ચૌહાણ શાકભાજીની લારી લઈને ફેરી કરે છે. લગભગ 7 વર્ષ પહેલા કિરણબહેનનો દીયર વિજય તેમની પડોશમાં રહેતા મનોજભાઈ નરસિંહભાઈ રાઠોડની સગીર વયની દીકરીને ભગાડી લઈ ગયો હતો. જે બાબતે મનોજભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિજયની ધરપકડ કરી હતી. જો કે તે ગુનામાં વિજયને સજા થઇ હોવાથી હાલમાં તે જેલમાં હતો.

તાજેતરમાં વિજય જેલમાંથી 15 દિવસની પેરોલ ઉપર છુટીને આવ્યો હતો. ત્યારે કિરણબહેનની પડોશમાં રહેતા તેમના ધર્મના ભાઈ મંગલદીપ કોરી એ વિજયને તેમના ઘરમાં આશરો આપ્યો હતો. જે બાબતનું મન દુખ રાખીને મંગલદીપ ભાઈ કિરણબહેનના ઘરે આવ્યા ત્યારે મનોજભાઈ એ મંગલદીપ અને કિશોરભાઈ સાથે વિજયને આશરો આપવા બાબતે ઝઘડો કરીને મારા મારી કરી હતી. જે અંગે કિરણબહેને વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા મનોજભાઈ કિરણબહેન, કિશોરભાઈને ધમકી આપતા હતા.

19 જૂને રાતે 9 વાગ્યે કિરણબહેન ઘરમાં ઓરડીમાં સુતા હતા, ત્યારે મનોજભાઈ ઘરના પાછળના તુટેલા દરવાજા પાસે આવ્યા હતા અને ત્યાંથી કિરણબહેન ઉપર એસિડ ફેંકયુ હતુ. જેમાં કિરણબહેન પગના ભાગે દાઝી જતા જાગી ગયા હતા. જો કે કિરણબહેન જાગી જતા મનોજભાઈએ ફરી વખત એસિડ ફેંકતા કિરણબહેન 3 વર્ષના દીકરા આરવને લઈને બાજુના ખાટલામાં કુદી ગયા હતા. તેમ છતાં આરવ પણ પગે દાઝી ગયો હતો.

 189 ,  3