અદાણી-અંબાણીનો મૂળમંત્ર : કોઇ ભી ધંધા..ઔર કોઇ ભી નેતા છોટા નહીં હોતા..!!

2021માં વર્લ્ડ બિગેસ્ટ વેલ્થ ગેઇનર બનીને.અદાણીજી, આપને મૌસમ બદલ દિયા….!!

ધનિકો વર્ગમાં અંબાણી બાદ હવે અદાણીની ચર્ચા….સારૂ કમાયો હોં…

તેમની બન્નેની અટક યોગાનુયોગ ગુજરાતી અક્ષર “અ”થી શરૂ થાય છે….

મુંબઇમાં હોટેલ તાજ પર હુમલો કર્યો ત્યારે અદાણી તેની અંદર જ હતા…!!

બંદરો, વિમાનમથકો, સીએનજી-પીએનજી, ડેટા સેન્ટર્સ, સોલર, વીજમથકો અને કોલસાની ખાણો…

પણ ભાયા…પ્લાસ્ટીક કે ટમલર બેચને મે ભી મુનાફા હૈજી….!!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

દેશના વર્તમાન રાજકારણમાં ભલે બે ગુજરાતી ઉદ્યોગપતિઓને નિશાન બનાવીને સરકાર સાથેના તેમના સંબંધોને વગોવવામાં આવે પણ આ બન્ને ગુજરાતી ઉદ્યોગપતિઓનો, શેરબજારમાં તો છે જ પણ લગભગ તમામ ક્ષેત્રોમાં દબદબો વધી રહ્યો છે. અને લાખો લોકોને રોજગારી આપવાનું કામ પણ કરી રહ્યાં છે.

આ બન્ને ગુજરાતી ઉદ્યોગપતિઓના નામો ભલે અલગ અલગ હોય પણ તેમની અટક યોગાનુયોગ ગુજરાતી અક્ષર “અ”થી શરૂ થાય છે…. એક છે અંબાણી અને બીજા છે અદાણી…!! મુકેશભાઇની રાશિ કુંભ છે તો ગૌતમભાઇની કુંભ રાશિ. આ બન્ને રાશિમાં ગુજરાતમાં એવા ઘણાં મુકેશ હશે , એવા ઘણાં ગૌતમ હશે પણ તેઓ કરોડપતિ-અબજોપતિ-ધનપતિ-બંદરપતિ-એરપોર્ટપતિ નહીં હોય. “ કોઇ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા…” .એ ફિલ્મી ડાયલોગ અંબાણી-અદાણીએ ભલે નહીં સાંભળ્યો હોય પણ તેઓ પોતાના કારોબારને બરાબર વફાદાર રહ્યાં, તો પોતાનો રાજકિય મિત્રધર્મ પણ બરાબર નિભાવતા રહ્યાં અને આજે શેર બજારમાં અંબાણીની માર્કેટ કેપ અંદાજે 12 લાખ કરોડ અને અદાણીની માર્કેટ કેપ 6 લાખ કરોડની નજીક ટનટનાટન રીતે પહોંચી રહી છે…!

અંબાણીને તો વારસામાં કાપડ- તેલ-ગેસ-નો અબજો અબજોનો ધંધો મળ્યો પણ અદાણીએ તો શૂન્યમાંથી સર્જન કર્યું એમ કહીએ તો તેમાં જરાયે ખોટુ નહીં ગણાય. આજે તેમની પાસે શું નથી….? મુંદ્રા સહિતના બંદરો છે, અમદાવાદ સહિત વિમાનમથકો છે, સીએનજી-પીએનજી ગેસ છે, ન્યૂ ઓઇલ સમાન ડેટા સેન્ટર્સ છે, સોલર છે, પીવી મેન્યુફેક્ચરિંગ છે, વીજમથકો છે, અને કોલસાની ખાણો છે અને સૌથી મોટુ પરિબળ તેમની પાસે પોલીટીકલ રિલેશનશીપરૂપી પાવર છે….! અંબાણી પાસે પણ વર્ષોથી પોલીટીકલ પાવર છે તેઓ બન્નેને સાચવતા આવતા હતા. પણ 2010 શરૂ થતાં થતાં અંબાણીએ પણ ગુજરાતમાંથી રાજકિય સર્યોદય દિલ્હી ભણી જતા જોઇને અદાણીની જેમ એકને સાચવવાની નીતિ અપનાવી અને 30 કરોડ જિઓના ગ્રાહકોના ડેટાની સાથે હવે તેઓ રમકડા વ્યવસાયમાં પ્રવેશ કરી રહ્યાં છે. ડાયલોગ યાદ છે ને- કોઇ ભી ધંધા છોટા નહીં હોતા…? 12 લાખ કરોડની માર્કેટ કેપનો માલિક 5-10 રૂપિયાના રમકડા વેચે…? સુનને મેં કુછ અજીબ સા લગતા હૈ ના.. પણ ભાયા…પ્લાસ્ટીક કે ટમલર બેચને મે ભી મુનાફા હૈજી….!!

અંબાણી કમાય તો જાણે કે સમજ્યા પણ અદાણી કમાય તો….? અખબારી ભાષામાં તેને સમાચાર કહેવાય. અને સમાચાર એ આવ્યાં કે, પૈસા કમાવવાની બાબતમાં ( યાદ રાખો પૈસા કમાવવાની બાબતમાં) જગતના ધનિકો જેફ બેઝોસ, એલોન મસ્ક (ટેસ્લા વાલે) અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી (જિઓ વાલે) પણ અદાણી ગ્રુપના સુપ્રિમો ગૌતમ અદાણીની પાછળ રહી ગયા છે…..!!

ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તેઓ બિગેસ્ટ વેલ્થ ગેઇનેર બની ગયા છે. 2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી છે, ત્યારબાદ તેમની કુલ સંપત્તિ વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે…. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ગ્રાફ પ્રમાણે, ગૌતમ અદાણીએ આ વર્ષે જે કમાણી કરી છે તે જેફ બેઝોસ, એલોન મસ્ક અને મુકેશ અંબાણી કરતા વધારે છે… મુકેશ અંબાણીએ આ વર્ષે માત્ર 8.1 અબજ ડોલરની કમાણી કરી તો અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી જે અંબાણીની સંપત્તિથી ડબલ છે..અદાણીજી, આપને મૌસમ બદલ દિયા….!!

કમાણીમાં વાત આટલેથી અટકતી નથી વર્ષ 2020 અને 2021 દરમિયાન ગૌતમ અદાણીએ પોતાની કંપનીની સંપત્તિમાં ઘણા બંદરો, વિમાનમથકો, ડેટા સેન્ટર્સ, સોલર પીવી મેન્યુફેક્ચરિંગ, પાવર અને કોલસા ઉત્પાદન ક્ષમતા વગેરે…વગેરે… ઉમેર્યા છે. કહને કી જરૂરત હી નાહી કી તેના પર સીધી અદાણી જૂથની માલિકીની છે યા તેમનું સંચાલન જૂથ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માર્ચની શરૂઆતમાં અદાણી એન્ટરપ્રાઇઝની માર્કેટ કેપ રૂ .1 લાખ કરોડને પાર કરી ગઈ છે. 1 લાખ કરોડના માર્કેટ કેપ ક્લબમાં જોડાનારી અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ પછી અદાણી ગ્રૂપની તે ત્રીજી કંપની છે. અદાણી જૂથની 6 પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓમાંથી 6 હવે માર્કેટ કેપ દ્વારા ભારતની 100 સર્વોચ્ચ મૂલ્યની કંપનીઓમાં શામેલ થઇ ગઇ છે…

24 જૂન 2021ના રોજ 60 વર્ષમાં પ્રવેશ કરનાર અદાણીનો જન્મ અમદાવાદમાં 1962 ના રોજ થયો. ત્યારે તેમના માતા-પિતાએ તેમની જન્મ કુંડળીબનાવી હશે તો પણ એમાં નહીં લખ્યું હોય કે આગળ જતાં આ છોકરો અબજો અને ફરબોમાં રમતો હશે….!! અમદાવાદમાં જન્મેલા ગૌતમ અદાણી આજે ભારતના બીજા ધનિક વ્યક્તિ છે. ગૌતમ અદાણીની ધંધાકીય યાત્રાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ. પૂર્ણ કર્યા વિના મુંબઈ પહોંચ્યા હતા.. તેમણે મહિન્દ્રા બ્રધર્સમાં હીરાના સોર્ટર તરીકે શરૂઆત કરી હતી અને થોડા જ વર્ષોમાં મુંબઈના ઝાવેરી બજારમાં પોતાની ડાયમંડ બ્રોકરેજ કંપની શરૂ કરી. માયાનગરી મુંબઈમાં કેટલાક વર્ષો ગાળ્યા પછી, તેઓ ભાઇની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવા માટે પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ગૌતમે અદાણીએ પીવીસી એટલે કે પોલિવિનાઇલ ક્લોરાઇડની આયાત કરવાનું શરૂ કરવાનું નક્કી કર્યું અને વૈશ્વિક વેપારમાં પ્રવેશ કર્યો. પીવીસીનો ઉપયોગ પ્લાસ્ટિકના ઝબલા-ઝબલી બનાવવાથી માંડીને મોટી મોટી પાણીની ટાંકીઓ બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પીવીસી ઓઇલ રિફાઇનરીના બાય પ્રોડક્ટ છે અને ભારતમાં તેનો ઇજારો આજે લગભગ અંબાણીની રિફાઇનરી પાસે છે….

તે વખતે પીવીસીની આયાત સતત વધતી રહી અને 1988 માં અદાણી ગ્રુપે રાજકિય સત્તામાં અને કૃષિ ચીજવસ્તુઓમાં રસ લઈને સત્તાવાર રીતે સ્થાપિત થયા…. 1991 માં પીવી નરસિંહરાવની સરકારે અમલમાં મૂકેલા થયેલા આર્થિક સુધારાને કારણે, અદાણીના વ્યવસાયમાં વિવિધતા આવી અને તેઓ એક બહુરાષ્ટ્રીય-મલ્ટીનેશનલ ઉદ્યોગપતિ બની ગયા…. 1995માં ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર બની અને યોગાનુયોગ 1995નું વર્ષ ગૌતમ અદાણી માટે સફળ સાબિત થયું, કેમ કે તે વખતે તેમની કંપનીને કચ્છનું મુન્દ્રા બંદરનું સંચાલન સોંપવામાં આવ્યું અને મુંદ્રામાંથી લક્ષ્મીની મદ્રાઓનો ઢલો વરસાદ થતો ગયો…થતો ગયો…

ગૌતમ અદાણીએ તેમના વ્યવસાયમાં વિવિધતા ચાલુ રાખી અને અદાણી પાવર લિમિટેડ 1996માં અસ્તિત્વમાં આવી. કંપનીએ 10 વર્ષ પછી વીજ ઉત્પાદનના વ્યવસાયમાં પણ સાહસ કર્યું. અદાણી પાવર હાલમાં દેશની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદન કરતી કંપની છે. અદાણી ગ્રુપ આજે પાવર, રિન્યુએબલ્સ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન, લોજિસ્ટિક્સ, રીઅલ એસ્ટેટ વગેરે જેવા વિવિધ વર્ટિકલ્સમાં બિઝનેસ કરી રહ્યું છે. ગૌતમ અદાણી, 2008માં મુંબઇની તાજમહેલ પેલેસ હોટલ પર થયેલા આતંકી હુમલામાં બચેલા લોકોમાંના એક છે…! .એટલે કે જ્યારે 2008cex આતંકીઓએ મુંબઇમાં હોટેલ તાજ પર હુમલો કર્યો ત્યારે તે વખતે અદાણી તેની અંદર જ હતા…!! જાન બચી લાખો નહીં કરોડો પાયે…..!! જાન હૈ તો જહાન હૈ…આજે તેમનું જહાન આખી દુનિયામાં વિસ્તરેલુ છે,..!!

અદાણી પણ ઝાઝુ ભણ્યા નથી. તેઓ સ્નાતક પણ નથી. પરંતુ 2001 બાદ ગુજરાત સરકારમાંથી રાજીનામુ આપીને આઇએએસ સંજય ગુપ્તા નામના એક ઉચ્ચ સરકારી અધિકારી અદાણી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના સીઇઓ તરીકે જોડાયા હતા. સરકાર સાથેના લાયઝનમાં તેમણે અદાણીને સારી એવી મદદ કરી હોવાનું મનાય છે. ઓછુ ભણેલાઓને ત્યાં આજે દુનિયાના સારામાં સારી બુધ્ધિશાળી લોકો અને ટેકનોલોજીના જાણકારો તેમના હાથ નીચે કામ કરી રહ્યાં હશે. તો તેને શું કહીશું- ભણતર મોટુ કે રાજકિય ગણતર…?! રાહુલ ગાંધીની કોંગ્રેસને અદાણી અને અંબાણી તરફથી કદાજ ઓછુ મળતું હશે એટલે તેઓ હમ દો-હમારે દો….કહીને કદાજ પોતાની બળતરાં વ્યક્ત કરી રહ્યાં હશે પણ હમારે ગુજરાત કે દો-મેરે કરણ –અર્જુન…મેરે રામ-લખનના નામનો 18 લાખ કરોડનો ડંકો વિશ્વ આખામાં સંભળાઇ રહ્યો છે…!

દિનેશ રાજપૂત

 91 ,  1