અદાણી ધંધો કરે કે બંદરની ચોકી કરે..? ખરા છો તમે..?

અદાણીના બંદરેથી હેરોઇનનો જથ્થો પકડાયો એમાં તો ધોઇ નાંખ્યા…

બંદરો પર થતી હેરાફેરી રોકવાનું કામ કસ્ટમ્સનું છે…

ના..ના અદાણી કાંઇ ડંડો લઇને ઉભા રહે બંદરે…? બીજુ કાંઇ કામ નથી..

અર્નબ સે પૂછતા હૈ ભારત…ડિબેટ કાહે નહીં કરી..?

અર્નબને પણ ટીવી ચેનલ ચલાવવાની છે..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

ગુજરાતના સૌથી વધુ ધનિક ગૌતમ અદાણીને ઇન્ફ્રા ડેવલોપમેન્ટમાં યોગદાન આપવા વદલ સન્માનિત કરવામાં આવ્યાં છે. અદાણી જુથના ચેરમેન અદાણીને પ્રિયદર્શની એકેડમી દ્વારા રામકૃષ્ણ બજાજ મેમેરિયલ ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોર્ટ-એરપોર્ટ, ઉર્જા સહિત દેશના વિકાસમાં ઉપયોગી એવા તમામ સેક્ટરોમાં અદાણીની વિવિધ ઢગલાબંધ કંપનીઓ દિનરાત કામ કરી રહી છે. એવુ જ દિનરાત કામ ગુજરાતના મુન્દ્રા બંદરે ચાલે છે. ગુજરાત સરકારે જે તે વખતે આ બંદર વિકસાવવા માટે અને તેમાંથી ગુજરાત સરકારને પણ આવક થાય તે હેતુથી કચ્છમાં આવેલા મુન્દ્રા બંદર અદાણીને સોંપવામાં આવ્યો અને અદાણી હસ્તકનું આ બંદર આયાત નિકાસ દ્વારા દેશના વિકાસમાં સહયોગ આપી રહ્યું છે.

હમણાં જ અદાણી હસ્તકના મુન્દ્રા બંદરેથી આયાત કન્ટેનરોમાંથી ટેલકમ પાવડરના નામે માદકપદાર્થ હેરોઇનનો અંદાજે 3 હજાર કિલોનો જથ્થો કસ્ટમ્સ વિભાગે પકડી પાડ્યો. જેની કિંમત કોઇ 11 હજાર કરોડ તો કોઇ 21 હજાર કરોડ મૂકે છે. આ અગાઉ કહેવાય છે કે તેના કરતાં પણ વધારે હેરોઇનનો જથ્થો આંધ્રપ્રદેશની કોઇ કંપનીએ પોતાના નામે અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરના નામે મંગાવ્યો હતો. જથ્થો અદાણીના બંદરેથી પકડાયો એટલે મિડિયામાં અદાણીને બાપડાને ધોઇ નાંખ્યા. મોટા ભાગના મિડિયાએ અદાણી બંદરને બદલે મુન્દ્રા બંદરનો ઉલ્લેખ કર્યો તે સારૂ જ થયું એમાં બિચ્ચારા ગૌતમ અદાણી શું કરે..? ના..ના અદાણીને બીજુ કાોઇ કામ નથી…સરકારે બંદર ચલાવવા આપ્યુ એટલે કાંઇ ગૌતમ અદાણી હાથમાં ડંડો લઇને બંદરે ઉભા રહે અને દરેક માલસામાનની જાતે તપાસ કરે કે કોણ શું મંગાવ્યું..?!

આયાત-નિકાસવાળા પોર્ટ અને એરપોર્ટ પર દાણચોરી કે સ્મગલિંગને રોકવા કસ્ટમ્સ વિભાગ શેને માટે છે…? કસ્ટમ્સ વિભાગમાં કામ કરનાર વળી કોઇ અધિકારીના ભાઇને ચૂંટણીમાં ટિકિટ મળે અને ચૂંટાઇ જાય એ અલગ મામલો છે. પણ આ આખા હેરોઇન પ્રકરણમાં કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ જાણે કે હેરોઇનનો આ જથ્થો ગરવા ગુજરાતી એવા ગૌતમ અદાણીએ મંગાવ્યો હોય તેમના આખા સાત સમન્દરના માછલા લાવીને કરશનભાઇના નિરમા અને અમિતાભના ઘડી વોશિંગ પાવડરથી ધોઇ નાંખ્યા…!

સોશ્યલ મિડિયામાં તો બિચ્ચારા ગૌતમ અદાણી અને સરકાર સાથેના તેમના સંબંધોને લઇને રીતસર મારો ચલાવવામાં આવ્યો…અરે ભાઇ સરકાર સાથે સારા સંબંધો છે તો છે..સારા સંબંધો હોય અને કંપનીની પ્રતિષ્ઠા હોય તો જ પોર્ટ-એરપોર્ટ ચલાવવાનું કામ મળે ને..? કેમ એશિયાના સૌથી વધુ ધનિકને આવા બંદરો અને વિમાની મથકો ચલાવવા માટે ન મળ્યા..? કારણ છે વિશ્વાસ..અને એ વિશ્વાસને બદનામ કરવા કોઇ આવા કાળા કામો કરે તો એમાં ગૌતમ અદાણીએ વધારે સજાગ થવુ પડે. નહીંતર પંજાબમાં કિસાન આંદોલનમાં રિલાયન્સ જિઓના ટાવરો તોડી નંખાયા તેમ તેમને પણ તેમના વિરોધીઓ નુકશાન કરી શકે છે. ઘણાં તો એવા છે કે અદાણી નામ આવે અને ભડકે છે…!

મુંબઇ એરપોર્ટ ચલાવવા અદાણીને કામ મળ્યુ છે. એરપોર્ટની બહાર અદાણી એરપોર્ટ એવુ બોર્ડ મૂકવામાં આવ્યું તો તેને તોડી ફોડી નાંખવામાં આવ્યું…! ગૌતમ અદાણી ગુજરાતી છે પાક્કા બિઝનેસમેન..ભલે તોડીફોડી નાંખ્યું પણ મુંબઇ એરપોર્ટનું સંચાલન તો તેમની પાસે છે ને એટલે શાંત….માથા ઉપર બરફ મૂકીને બિઝનેસ કરવાનું કોઇ ગૌતમ અદાણી પાસેથી શીખે. મુન્દ્રા બંદર અને હેરોઇનના પકડાયેલા જથ્થાને લઇને તેમની સામે ભારે વિરોધ છતાં માથે બરફના ચોસલા મૂકીને કામ કર્યે જાય છે..મુન્દ્રા બંદરેથી હેરોઇન પકડાય કે હિરોઇન આપણે શું..? આટલો મોટો જથ્થો કોણે મંગાવ્યો…તેની પાછળ કઇ સિન્ડીકેટ છે…કોઇ બિઝનેસમેન છે…કોઇ નેતા છે…કોઇ અબિનેતા છે…એની તપાસ કરવાનું કામ કસ્ટ્મ્સ અને અન્ય એજન્સીઓનું છે…તપાસ કરે અને આવા ધંધા કરનારાઓને જેલના સળિયાની પાછળ ધકેલે..એમા ક્યાં ગૌતમ અદાણી તપાસની આડે આવવાના હતા…?

હેરોઇન અને હિરોઇન બન્ને નશો કરાવે છે. અરે હાં હિરોઇનથી યાદ આવ્યું કે કોઇ રિયા નામની હિરોઇનને ત્યાંથી 59 ગ્રામ માદકપદાર્થ હેરોઇનનો જથ્થો પકડાયો ત્યારે આર. ભારત અને પૂછતા હૈ ભારત વાલે..ટીવી ચેનલના માલિક અર્નબ ગોસ્વામીએ તેના પર ટીવી ડિબેટ રાખી હતી પરંતુ અદાણીના મુન્દ્રા બંદરેથી 3 હજાર કિલો હેરોઇનનો જથ્થો પકડાયો તો તેના પર અર્નબ ગોસ્વામીએ કેમ ડિબેટ ના રાખી…? એવા સવાલો સાથેની પોસ્ટ સોશ્યલ મિડિયામાં વાઇરલ થઇ. લો ..બોલો…આખી દુનિયાનો નૈતિક્તાનો ઠેકો કાંઇ એકલા અર્નબ ગોસ્વામીએ લીધો છે…? પોતાની ચેનલ છે, હિરોઇન રિયા પર ડિબેટ રાખે અને 3 હજાર કરોડના હેરોઇન પર ડિબેટ ના ફમ રાખે…અર્નબ ગોસ્વામીના મરજી….તેમની પાસે બીજા ઘણાં વિષયો હશે ડિબેટ માટે એટલે ન પણ રાખે અને હજુ શિવસેના સાથેના સંબંધો ક્યાં મીઠા મધ જેવા થયા છે…? ટીઆરપીની તલવાર લટકી રહી છે…

ગૌતમભાઇ…, અમિતાભે ગાયુ છે-ડોન્ટ વરી બી હેપ્પી…તમારા બંદરેથી હેરોઇન પકડાય કે કાંઇ અન્ય તેની જવાબદારી કસ્ટમ્સ સત્તાવાળાઓની છે અને સત્તાવાળાઓએ 3 હજાર કિલો હેરોઇન ઝડપી પાડ્યો તે કાંઇ નાનીસુની વાત છે..? હજુ વધારે સજાગ-એલર્ટ-ખડે પગે-જાગતે રહો…રહેશે તો ઘણુ બધુ પકડાશે..આપણે તો ધંધો અને કારોબારમાં ધ્યાન આપીએ…અમ્મીજાન કહતી હૈ કોઇ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા…

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી