61 વર્ષે ગરવી ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું..!! છતાં કંઇક ખૂટે છે..

61મા સ્થાપના દિને ગરવી ગુજરાતને વંદન અને અભિનંદન…!

ગુજરાતીઓએ પૂરવાર કર્યું- જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..

મોદીજીના ગુજરાતે દુનિયામાં નોખુ અને અનોખુ કાઠુ કાઢ્યું…

ભોજપુરી ફિલ્મો ચાલે, પંજાબી આલ્મબ દોડે અને ગુજરાતી ફિલ્મો…?

1600 કિ.મી.લાંબો દરિયો છતાં ગુજરાતીઓ નાહવા ગોવા જાય..!

(નેટ ડાકિયા ખાસ અહેવાલ)

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે…

મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે…

આ પંકિતઓ છે ગુજરાતના જાણીતા કવિ ઉમાશંકર જોષીની કવિતા ગુજરાત મોરી મોરી રે..ની. તેમણે આ કવિતા દ્વારા ગુજરાત કેવુ છે…તેનું આછેરૂ વર્ણન કર્યું છે. 2010માં ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂરા થતાં ગુજરાતે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરી હતી. 1 મે, 2021ના રોજ ગરવી ગુજરાતનો 61મો સ્થાપના દિન છે. ગુજરાતને 61 વર્ષ થયા યા 61 વર્ષનું થયું આપણું ગુજરાત. 61 વર્ષ પહેલાં ભાષાકિય ધોરણે અલગ ગુજરાતની રચના થઇ હતી. બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત ભલે અલગ પડ્યું પરંતુ આજે પણ મરાઠી ભાષી મુંબઇમાં લગભગ અડધોઅડધ વસ્તી કેમ છે… ? શું ચાલે છે…વાળાની છે. મોટા ભાગનો વેપાર ગુજરાતીઓના હાથમાં. શેરબજારમાં રમનારા મોટાભાગના ગુજરાતીઓ. ફિલ્મ ઉદ્યોગમાં પણ ફાઇનાન્સ બાબતે પણ ગુજરાતીઓ. અલગ થયા છતાં બન્ને બુલેટ ટ્રેનથી જોડાવવા માટે થનગની રહ્યાં છે.

રાજકિય રીતે જોઇએ તો 61 વર્ષમાંથી 25 વર્ષ ભાજપ શાસનના. ભાજપ શાસનના 25 વર્ષમાં 13 કે 14 વર્ષ તો એકલા નરેન્દ્રભાઇ મોદીના નામે. 61માંથી 25 બાદ કરીએ તો એટલા વર્ષ કોંગ્રેસ, જનતાદળ અને રાજપાના.14 વર્ષના શાસનમાં મોદીએ દેશને ગુજરાત મોડેલની અનોખી ભેટ આપી. 2020માં કોરોના કાળમાં ગુજરાતે અમેરિકાને દવાનો જથ્થો મોકલીને કેટલાય અમેરિકનોના જીવ બચાવ્યાં તો 2021માં પણ વડાપ્રધાન મોદીએ નાના નાના દેશોને પણ કોરોનાની રસી મોકલીને માનવતાનું કામ કરી બતાવ્યું અને અનેક સરકારોએ મોદીનો આભાર માન્યો. મોદીનો મંત્ર છે-આખુ જગત એક પરિવાર. અને એ પરિવારના ભાગરૂપે તેમણે વિદેશી સરકારોની વિનંતીના પગલે કોરોનાની રસીનો જથ્થો મોકલી આપ્યો હતો.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકળ ગુજરાત.એ ઉક્તિ પ્રમાણે દેશ વિદેશમાં જ્યાં જંયા એક ગુજરાતી વસ્યા ત્યાં મીની ગુજરાત બની ગયું. પછી તે કેનેડા હોય કે કાઠમંડુ. અમેરિકા હોય કે એરિઝોના. રોજી રોટી અને સમૃધ્ધિની સાથે પોતાના પૂર્વજોના કારોબાર માટે વિદેશમાં ગયેલા અને ત્યાં જ સ્થાયી થયેલા અનેક ગુજરાતીઓનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. છેક ઝાંઝીબારથી લઇને આજના કેનેડા, બ્રિટન અને અમેરિકામાં સ્થાયી થયેલા એક એક ગુજરાતી પરિવારે માદરેવતનનું નામ ખરાબ થવા દીધુ નથી. ગુજરાતીઓનું એટલુ જ વર્ચસ્વ જેટલુ અન્યોનું.

61 વર્ષે ગરવી ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું….! 2020માં, મુખ્યમંત્રી વિજય રૂપાણીના શબ્દોમાં કહીએ તો ગુજરાતે ટ્રમ્પ સરકારને ગુજરાતમાંથી કોરોનાના સારવારમાં વપરાતી દવાની ટીકડીઓનો જથ્થો મોકલ્યો હતો. 2021માં ગુજરાતી વડાપ્રધાન મોદીએ કેટલાય દેશોને કોરોનાની રસી મોકલીને માનવતાનો ઝંડો અને મશાલ પ્રજજવલિત રાખવાનું ઉમદા કામ કરી બતાવ્યું છે….

ગુજરાત પાસે શું નથી..? ગુજરાત પાસે નદીઓ છે, નર્મદા કેનાલ છે, સરદાર સરોવર ડેમ છે, ઉંચી સરદાર પ્રતિમા છે, પહાડો છે, તીર્થધામો છે, શક્તિપીઠ છે, વિશાળ દરિયો છે, વેપાર છે, ઉદ્યોગ છે, એશિયાઇ સિંહો છે, ગરવો ગઢ ગિરનાર છે તો લોકવાયકામાં ઉલ્લેખ થાય છે એવો ઇડરિયો ગઢ છે, ડાંગના અને ગિનારના ગાઢ જંગલો છે, રાજાઓના જુના મહેલો છે, ભવ્ય વારસો છે, આધુનિક સમયની સાથે તાલથી તાલ મિલાવીને ચાલવાની કળા અને કૌશલ્ય છે છતાં જાણે કે એમ લાગે કે હજુ કંઇક ખૂટે છે…! નહીંતર નાનકડો માલદિવ માત્ર દરિયાના જોરે પર્યટનમાં મેદાન મારી જાય તો ગુજરાત કેમ નહીં..? 1600 કિ.મી.નો દરિયો અને ગોવા જેવુ એક પણ બીચ ના હોય તો એ કેવું કહેવાય..?

ભોજપુરી ભાષામાં બનતી ફિલ્મો ચાલે, પંજાબી ગીતોના આલ્બમ ધડાધડ બહાર પડે અને ગુજરાતીઓ લગ્નોમાં ડીજે પર હોંશે હોંશે વગાડે તો ગુજરાતી ફિલ્મો કેમ ના ચાલી..? એવું તે શું ખૂટે છે ગુજરાત અને ગુજરાતી ભાષામાં કે તે બીજી ભાષાઓની તોલે પાછળ કેમ છે..? ભારતના લશ્કરમાં ગુજરાત રેજીમેન્ટ કેમ ના બને..?કોલેજમાં ભણતાં ગુજરાતીઓ કેટલા એનસીસીમાં જોડાય છે..? તેનો કોઇકે તો વિચાર કરવો પડશે.

ગુજરાતની રાજકિય તાસીર છે કાં ભાજપ કાં કોંગ્રેસ. તીસરા ના કોઇ. ઘણાં નેતાઓએ પ્રાયાસો કર્યા પણ ત્રીજો મોરચો કાગળ પર જ રહ્યો. પણ 2021માં નવુ બન્યું. દિલ્લી વાલે કેજરીવાલ ની પાર્ટી આમ આદમી પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં પહેલીવાર ઝંપલાવ્યું અને સુરતમાં 27 બેઠકો સાથે વિપક્ષમાં. કોંગ્રેસને એક પણ બેઠક હુરતીલાલાઓએ આપી નથી. અમદાવાદ જેવા કોમી રીતે સંવેદનશીલ શહેરમાં ઔવેસીની પાર્ટીએ વગર પ્રચારે 7 બેઠકો મુસ્લિમ વિસ્તારમાં જીતી. લક્ષ્ય એક જ- કોંગ્રેસ તો નહીં જ…!

ગુજરાતની સ્થાપના દિને કોંગ્રેસવાળા કહેતા ફરશે- આ તો અમે બધુ ગુજરાતમાં મેડીકલ સેવાઓ અને સંસ્થાઓ બનાવી તેનો લાભ હાલમાં પ્રજાને મળ્યો, બાકી 25 વર્ષમાં ભાજપે આરોગ્ય ક્ષેત્રે પ્રચાર-પ્રસાર સિવાય કર્યુ શું..? ભાજપ પાસે તેનો એવો જવાબ હશે કે કોંગ્રેસના દાવાઓ એક તરફ થઇ જશે. અલબત આજના સમયમાં જે પ્રચારપ્રસારમાં જીત્યો તે સિકંદર…બાકી બધુ છૂ મંતર… જંતરમંતર…!

નેટ ડાકિયા તરફથી ગરવા ગુજરાતી અને ગરવી ગુજરાતને 61મા સ્થાપના દિને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન..ગુજરાત માનવજાતના કલ્યાણ માટે તમામ ક્ષેત્રે અગ્રસેર રહે અને એવી શુભકામનાઓ અને હાર્દિક શુભેચ્છાઓ..જય જય ગરવી ગુજરાત…દિશે અરૂણ પ્રભાત….

વો સુબહ કભી તો આયેગી…એવા નિરાશાજનક સૂરોને બદલે, છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની નયે દૌર સે લિખેંગે મિલ કર નયી કહાની…અમે ગુજરાતી…અમે ગુજરાતી…અમે ગુજરાતી…!!

તંત્રીઃ દિનેશ રાજપૂત

 50 ,  1