September 20, 2021
September 20, 2021

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ સી. આર. પાટીલ બેકફૂટ પર ધકેલાઈ ગયા..!

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપ સહિતના પક્ષો થઈ ગયા સક્રિય

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાવાની છે પરંતુ સત્તા પક્ષ ભાજપ સહિતના પક્ષો અત્યારથી ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. અમિત શાહની ઉપરાઉપરી ગુજરાત મુલાકાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ બેકફૂટ પર જતા જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપમાં અમિત શાહની મરજી વિરુદ્વ કંઈ પણ પગલાં લેવા અશક્ય છે.

નોંધનીય છે કે, ભાજપે જાતિવાદ સમિકરણનોને ખાળવા માટે ચંદ્રકાન્ત પાટીલને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ પાટીલ પોતાને ગુજરાતના સર્વેસર્વા ગણીને આગળ વધી રહ્યા હતા. ચંદ્રકાન્ત પાટીલના સમર્થકો અંદરખાને એટલા સુધી વાત કરવા લાગ્યા કે, ચંદ્રાકાન્ત પાટીલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ વાત ઉડતી ઉડતી દિલ્હી પહોંચી ગઈ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીલને ખુલ્લી છૂટ આપવામાં આવી. ભાજપનો ભવ્ય વિજય થયો. સંપૂર્ણ ક્રેડિટ માત્ર બે મહિના અગાઉ પક્ષના પ્રમુખ બનનાર ચંદ્રકાન્ત પાટીલે એકલા એ જ લેવા માંડી. 5 વર્ષથી વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીવાળી ભાજપ સરકારની કામગીરી કે યોજનાઓને કારણે નહીં પરંતુ પાટીલની રણનીતિને કારણે ગુજરાતમાં ભાજપને વિજય મળ્યો તેવી ચર્ચાઓ શરૂ થઈ. સોશિયલ મીડિયા પર પાટીલની વાહવાહી સમર્થકો કરવા લાગ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પોતાની સભાઓ અને સરકારી કાર્યક્રમમાં પણ વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારની જ વાત કરતા હતા. પરંતુ બીજી બાજુ પાટીલે પોતાના ગુણગાન શરૂ કરી પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કર્યો.

વાત એટલા સુધી વણસી ગઈ કે, ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા પેજ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લગતી કોઈ પોસ્ટ પણ મુકવામાં આવતી ન હતી. માત્રને માત્ર પાટીલની જ પોસ્ટ કરવામાં આવતી હતી. જેને લઈ ભાજપ સરકાર અને સંગઠનમાં આંતરિક વિખવાદ હોવાની ચર્ચાઓ થવા લાગી. જો કે, છેલ્લા બે મહિનાથી ચંદ્રકાન્ત પાટીલ બેકફૂટ પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ચંદ્રકાન્ત પાટીલે કમલમ ખાતેથી જાહેર કરવું પડ્યું કે, 2022માં વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાનીમાં જ લડવામાં આવશે. ત્યારબાદ કાર્યકર્તાઓ અને આગેવાનોના દબાણ અને નારજગીને કારણે ચંદ્રકાન્ત પાટીલે એ પણ સ્પષ્ટતા કરવી પડી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે 60 વર્ષની ઉંમરનો નિર્ણય નક્કી કરાયો હતો તે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ નહી પડે.

મહત્વનું છે કે, પાર્ટીના વરિષ્ઠ આગેવાનોમાં આ નિયમને લઈ ગણગણાટ શરૂ થઈ ગયો હતો. આ નિર્ણય અંગે દિલ્હીથી પાટીલને સ્પષ્ટતા કરવા અંગે જણાવવામાં આવ્યું હોઈ શકે છે. વરિષ્ઠ આગેવાનો દ્વારા પ્રધાનમંત્રી અને અમિત શાહને રજૂઆત કરવામાં આવી હોવાની પણ માહિતી મળી રહી છે. બીજી તરફ જો પાર્ટી આ નિયમ લાગુ કરે તો ચૂંટણીઓ સમયે સિનિયર નેતાઓનો પક્ષપલટાનો પણ ખતરો હતો. AAPના પ્રવેશ બાદ સિનિયર નેતાઓ સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું.

ચંદ્રકાન્ત પાટીલના બેફામ નિવેદનોને કારણે જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે. ચંદ્રકાન્ત પાટીલના મોટા ભાગના નિવેદનો જનતાને મુર્ખ સમજતા હોય છે. કોરોનાની બીજી લહેર વખતે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી કરવા મામલે પણ લોકોમાં ચંદ્રકાન્ત પાટીલ સામે નારાજગી જોવા મળી રહી છે. પાટીલની કામ કરવાની રીતથી પણ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો નારાજ છે.

આ ઉપરાંત પ્રદેશના કેટલાક નેતાઓ સીધા નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંપર્કમાં છે. જેના કારણે પાટીલને લઈ કાર્યકર્તાઓ અને પાર્ટીના સિનિયર નેતાઓની લાગણીઓ મોદી-શાહ સુધી પહોંચી જતી હોય છે. થોડા સમય અગાઉ પાટીલે અમિત શાહ સાથે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સંભવત આ મુલાકાતમાં પાટીલને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં પણ આવ્યું હોઈ શકે અને તેમને જે રાયતો ફેલાવ્યો છે તે સાફ કરવા માટેની સૂચના આપતા પાટીલે મુખ્યમંત્રી પદ અને 60 વર્ષના નિયમ અંગે સ્પષ્ટતાઓ કરવી પડી હોઈ શકે છે.

 63 ,  1