ભુજ બાદ હવે સુરતમાં….ટેસ્ટના નામે મહિલાઓના કપડા ઉતારાયા ! સાથે અભદ્ર સવાલો પણ પૂછયા

થોડા સમય અગાઉ ભુજ ની સહજાનંદ યુનિવર્સીટી માં વિદ્યાર્થીનીઓને નિર્વસ્ત્ર કરવાની બાબતનો વિવાદ સર્જાયો હતો.ત્યાર બાદ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની મહિલા ટ્રેઇની ક્લાર્કના મેડિકલ ટેસ્ટમાં વિવાદ સર્જાયો છે. પાલિકા દ્વારા ટ્રેઇની કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે શહેરની સ્મીમેર હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની કર્મચારીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી.

માહિતી અનુસાર આશરે 100 જેટલી મહિલાઓને આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમને ક્લાર્કની નોકરી માટે ફિગર ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું. આખરે વ્યથિત મહિલાઓએ પાલિકાના કર્મચારી સંઘને રજૂઆત કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વધુ માહિતી અનુસાર સહારા દરવાજા ખાતે આવેલી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સુરત પાલિકા કર્મચારી યુનિયન દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા તાલીમાર્થી ક્લાર્કોની ભરતી કરવામાં આવી હતી. તેમણે ત્રણ વર્ષ તાલીમાર્થી તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી હંગામી ક્લાર્કો તરીકે સમાવેશ કરવાનો હોય નિયમાનુસાર ‘સેવાપોથી’ ભરવાની થાય અને તે માટે મેડિકલ ટેસ્ટ અનિવાર્ય હોય છે. હાલમાં આવા કર્મચારીઓના મેડિકલ ટેસ્ટ સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે.

વધુમાં માહિતી મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાઓનો ફિગર ટેસ્ટ કરવામાં આવ્યો જ્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. મહિલાઓને શારીરિક સંબંધ અંગે અંગત સવાલો પૂછવામાં આવ્યા હતા. અપરીણિત મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ગર્ભવતી બની છે કે નહીં? આ પ્રકારની અભદ્ર પ્રવૃત્તિ અને સવાલો થી મહિલાઓમાં નિરાશાનો માહોલ સર્જાયો હતો.

તેમજ આ તપાસ દરમિયાન ટ્રેઇની મહિલા ક્લાર્કને 10-10ના જુથમાં એકઠી કરી અને તેમને એક પડદા પાછળ નિર્વસ્ત્ર કરાઈ હતી. મહિલાઓએ કર્મચારી સંઘને એવી પણ ફરિયાદ કરી તેમની સાથે શારીરિક અને માનસિક રીતે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

 17 ,  1