ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં નવાજૂનીના એંધાણ!

‘મામા’ની ખુરશી પર ખતરો?

ભાજપે લોકસભાની ચૂંટણી બાદ 5 રાજ્યોના મુખ્યમંત્રી બદલી નાખ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલીની તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. હવે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ રાજકીય હલચલો તેજ જોવા મળી રહી છે. શિવરાજસિંહ ચૌહાણને થોડા સમય પહેલા દિલ્હી બોલાવાયા હતા અને તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાત બાદ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, મધ્ય પ્રદેશમાં પણ પાર્ટી પ્રયોગ કરવા જઈ રહી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની બુધવારે દિલ્હી ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત રાજનૈતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા 2 મહિનામાં શિવરાજસિંહ ચૌહાણની પાંચ વખત દિલ્હીની મુલાકાતને લઈ તમામ રીતની અટકળો લગાવવામાં આવી રહી છે. આગામી સપ્તાહમાં પણ શિવરાજસિંહ દિલ્હી જશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપ હાલમાં પોતાની સત્તાવાળા રાજ્યોમાં વ્યાયક સમીક્ષા કરી રહી છે તેમજ ભવિષ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને પરિવર્તન પણ કરી રહી છે. આ રાજ્યોમાં હરિયાણા, ત્રિપુરા, હિમાચલપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશમાં હલચલ વધુ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ખુદ દિલ્હીના ચક્કર લગાવી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય નેતાઓ સાથે બેઠકો કરી રહ્યાં છે. બની શકે કે શિવરાજસિંહ તાજેતરમાં અન્ય રાજ્યોમાં કરાયેલા પરિવર્તનથી સચેત થઈ પોતાની ખુરશી બચાવવા માટે પ્રયાસ પણ કરી રહ્યાં હોય. બુધવારે શિવરાજસિંહની નડ્ડા સાથે મુલાકાત થઈ હતી. આગામી સપ્તાહમાં તેઓ ફરી દિલ્હી જશે ત્યારે તેમની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે થશે. પરંતુ જે પ્રમાણે ભાજપ રાજ્યોમાં મુખ્યમંત્રીઓને લઈ જે પ્રયોગ કરી રહી છે તેનાથી આશંકાઓ લગાવવાનું શરૂ થઈ ગયું છે કે, મધ્યપ્રદેશમાં પણ ભાજપ મુખ્યમંત્રી બદલાવી રહી છે. નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

મધ્યપ્રદેશમાં ચૂંટણીઓને હજી ઘણો સમય છે પરંતુ ભાજપ સમય રહેતા સ્થિતિઓને પોતાના હાથમાં લેવા માગી રહી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ શિવરાજસિંહના નેતૃત્વમાં હારી ગઈ હતી. પરંતુ કોંગ્રેસમાં ફૂટ પાડીને જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને ભાજપે સરકાર બનાવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા 28 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા ત્યારે તેમને કોઈ પ્રકારે તો કરાર કર્યો હશે. મધ્યપ્રદેશમાં ભાજપ અસમ થિયેરી અપનાવી શકે છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ પ્રદેશમાં નવા મુખ્યમંત્રી બનાવી શકે છે. જો કે, હજી સુધી આ તમામ અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય મોવડીમંડળે આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી