પેટ્રોલ, દુધ, રાંધણગેસ બાદ હવે દવા પણ મોંધી રે મોંધી…

માઇગ્રેન-વાઇ, પેટની બિમારીઓની દવા 50 ટકા મોંઘી થશે

વધતી જતી મોંધવારીમાં પેટ્રોલ-ડીઝલ, દુધ, રાંધણ ગેસ વગેરેના ભાવમાં વધારો થયા બાદ હવે કેટલીક દવાઓ પણ મોંધી થઇ ગઇ છે.

કોરોના મહામારીના સંકટકાળમાં દવાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચ વધી ગયો છે ત્યારે સરકારે પડ્યા પર પાટું મારતા ફાર્મા કંપનીઓને 3 દવાઓની કિંમતોમાં તોતિંગ 50 ટકાનો વધારો કરવાની સત્તાવાર પરવાનગી આપી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કાર્બામાઝેપાઇન (Carbamazepine), રેનિટીડિન (Ranitidine) અને ઇબુપ્રોફેન (Ibuprofen) સહિત ઘણી દવાઓની કિંમતોમાં 50 ટકા સુધીનો તોતિંગ વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

કાર્બામાઝેપાઇનનો ઉપયોગ વાઇની સારવાર માટે કરાય છે, તો રેનિટીડિનનો ઉપયોગ પેટ અને આંતરડાં બિમારી ઉપરાંત આંતરડાંની અલ્સરની બિમારી મટી ગયા બાદ આ બિમારી ફરીથી ન થાય તેને કરવા માટે થાય છે. તો ઇબ્રુપ્રોફેનનો ઉપયોગ માથાનો દુખાવો, દાંતનો દુખાવો, માસિક ધર્મ દરમિયાન થતી પીડા, માંસપેશીઓનો દુખાવો અને ગઠિયા જેવી બિમારીઓમાં દુખાવાને દૂર કરવા માટે થાય છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ એનપીપીએ આ ત્રણ દવાઓના નવ ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતો  વધારવાની પરવાનગી આપી છે. દવાઓની કિંમત નક્કી કરનાર ઓથોરિડીએ કહ્યુ કે, કિંમતોમાં 50 ટકાનો એક સામટો વધારો એ એક અસાધારણ પગલુ છે.

અહેવાલમાં જણાવ્યુ છે કે, આ દવાઓ ઓછી કિંમતવાળી દવાઓ છે અને તેને વારંવાર ભાવ નિયંત્રણ હેઠળ રાખવામાં આવી છે. આ દવાઓનો ઉપયોગ શરૂઆતની સારવાર એટલે કે ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં કરવામાં આવે છે.

એનપીપીએ નિયંત્રિત દવાઓ અને ફોમ્યુલેશનની કિંમતો નક્કી કરવા અને તેમાં ફેરફાર કરવા તેમજ દેશમાં દવાઓની કિંમતો અને ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે જવાબદાર છે. ઉપરાંત વિવિધ દવાઓની કિંમતો પર નજર પણ રાખે છે.  

ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હસ્તકના એનપીપીએ ને તાજેતરમાં દવા કંપનીઓ અને મેડિકલ ઉપકરણ ઉત્પાદકોની એવી પ્રોડક્ટ્સની કિંમતો નીચી રાખવાનો નિર્દેશ કરાયો હતો જેનો પરનો જીએસટી રેટ   ગ્રાહકોને લાભ આપવા માટે ઘટાડાયો છે.  

તેમાં કોવિડ-19ની સારવારમાં વપરાતી દવાઓ જેવી કે રેમડેસિવિર અને ટોસિલિઝુમેબની સાથે સાથે મેડિકલ ઓક્સિજન, ઓક્સિજન કોન્સન્ટ્રેશન અને અન્ય કોવિડ-19 સંલગ્ન ઉપકરણો પણ શામેલ છે.   

 60 ,  1