સગીરાને મોડલિંગના કપડાં પહેરાવ્યા બાદ શેઠ અને મિત્રએ કરી છેડતી, પિતાને લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ

મેઘાણીનગર પોલીસ મથકમાં પિતાએ બન્ને લોકો સામે ફરિયાદ નોંધાવી

પિતાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સિવિલમાં દાખલ

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો એક પરિવાર અંબાજી દર્શન કરવા ગયો હતો. જો કે, સગીરા એકલી ઘરે હતી. ત્યારે સગીરાના ઘરે તેનો શેઠ તેના મિત્રને લઈને આવ્યો હતો અને બીભત્સ હરકતો કરાવી હતી. આટલું જ નહીં આ શેઠ અને તેના મિત્રએ સગીરાને મોડલિંગના કપડા પહેરાવી ફોટો પણ પડાવ્યા હતા અને છેડતી કરી હતી. જે બાબતે સગીરાએ તેના પિતાને જાણ કરતા તેઓ શેઠની દુકાને ગયા હતા. જ્યાં સગીરાએ ઉપાડ પેટે લીધેલા 20 હજાર પરત ન કરી મામલો ભૂલી જવા ધમકી અપાઈ હતી. જેથી સગીરાના પિતાને લાગી આવતા તેમણે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ મામલે મેઘાણીનગર પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રમેશભાઇ (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) તેમના પરિવાર સાથે રહે છે અને કાલુપુર ખાતે દાલ પકવાનની લારી ધરાવી વ્યાપાર કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમની સગીર પુત્રી છ એક માસથી કુબેરનગર ખાતે આવેલી રેડીમેડ દુકાનમાં નોકરી કરે છે. દુકાનના માલિક મહેશ ખટવાણી અને તેમનો મિત્ર કમલેશ ગોલવાણી અવારનવાર તેઓની દુકાન ઉપર આવતો હતો. ગત 22 ડીસેમ્બરના રોજ રમેશભાઇ અંબાજી જવા નીકળ્યા હતા. જો કે, તેમની સગીર દિકરી એકલી ઘરે જ હતી અને ઘરે કોઈ ન હોવાથી તે દિવસે તેને નોકરી જવાની ના પાડી હતી. જેથી તેમની રમેશભાઇની પુત્રી ઘરે એકલી હતી.

પરિવારજનો અંબાજીથી રાત્રે પરત ફર્યા હતા ત્યારે તમામ લોકો જમી પરવારીને સુઈ ગયા હતા. બીજા દિવસે પણ આ યુવકની પુત્રી નોકરી પર ગઈ નહોતી ત્યારે આ પુત્રીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે આજથી નોકરી પર જવાની નથી, પરંતુ શું થયું કેમ તે નોકરી પર જવાની ના પાડે છે તે બાબતે તેની પુછપરછ કરતાં તે કહેવા લાગી કે, પરિવારજનો જ્યારે અંબાજી ગયા હતા ત્યારે તે ઘરે એકલી હતી બપોરના સમયે તેના શેઠ મહેશ તથા તેમના મિત્ર કમલેશ ઘરે આવ્યા હતા અને નોકરી પર કેમ આવી નથી તેમ કહ્યું હતું. જેથી ઘરે કોઈ ન હોવાથી તે નોકરી પર ન આવી હોવાનું જણાવતાં આ શેઠ અને તેના મિત્રએ સગીરણો હાથ પકડી ગંદી હરકતો કરી હતી અને બાદમાં આ બન્ને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.

આટલું જ નહી આ બંને શખ્સોએ સગીરાના ઘરે આવી તેને મોડેલિંગના કપડામાં ફોટા પણ પડાવ્યા હતા. જેથી આ તમામ બાબતની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરી હતી. જેથી સગીરાના પિતા બીજા દિવસે આ શેઠની દુકાને ગયા હતા. ત્યારે શેઠે જણાવ્યું હતું કે તેની દીકરી ના કહેવા પ્રમાણે ઉપાડ પેટે વીસ હજાર આપ્યા છે તે પરત ન આપતો અને આ બધી વાત ભૂલી જા. જેથી સગીરાના પિતા પરત આવી ગયા હતા. આ બાબતે રમેશભાઇને લાગી આવતા તેમણે ફિનાઇલ પી લીધુ હતુ. જેથી તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસને જાણ થતા તેઓ પણ સિવિલ પહોંચ્યા હતા. જ્યાં રમેશભાઇએ મહેશ ખટવણી અને કમલેશ ગોલવાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર