પિતાએ ઉછીના 7 હજાર લીધેલા પરત ન કરતા પડોશીએ માસૂમની કરી નાંખી હત્યા

અપહરણ બાદ માસૂમ બાળકનું ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બે લોકોની કરી ધરપકડ

સુરત શહેરના ભટાર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપહરણ બાદ એક માસૂમ બાળકની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. જેમાં પિતાએ લીધેલા ઉછીના પૈસા પરત ન કરતાં પાડોશીએ બાળકની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, ભટાર ખોડીયાર નગરમાં રહેતા અને કલરકામ કરતા કિશન સહાનીનો પુત્ર આકાશ શુક્રવારે સાંજે ઘરની બહાર રમતો હતો. તે વખતે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ આકાશને બાઇક પર બેસાડી પોતાની સાથે લઇ ગયો હતો. કરણ ચૌહાણ બાળકને પહેલા ઓલપાડ-સાયણ રોડ પર રહેતા તેના મિત્ર બરકતઅલીના ઘરે લઈ ગયો હતો. બાદમાં કરણ તેના મિત્ર બરકતઅલી સાથે બાળકને બાઇક પર બેસાડી મોડી રાત્રે ઓલપાડ-સાયણ રોડ પર લઈ ગયા હતા. જ્યાં બંને હત્યારાઓએ પહેલાં બાળકને માર માર્યો પછી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

ખટોદરા પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમજ ક્રાઇમબ્રાંચે બાળકની શોધખોળ કરી હતી. આ દરમિયાન શેરડીના ખેતરમાંથી આકાશની લાશ મળી આવી હતી. મૃતક બાળકના પિતાએ હત્યા પર પાડોશી કરણ પર શંકા જતાવી હતી.

ખટોદરા પોલીસે મોડીરાત્રે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ અને તેના એક મિત્ર બરકતઅલીને ઊંચકી લાવી પૂછપરછ કરી છતાં કઇ જાણતા ન હોવાનું રટણ કર્યુ હતું. સવારે પોલીસે પાછી તેની કડક હાથે પૂછપરછ કરી હતી.જેમાં બંને આરોપી ભાંગી પડયા હતા અને બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસ બંને હત્યારાઓ તથા બાળકને પિતાને લઈ ઓલપાડ-સાયણ રોડ પર શેરડીના ખેતરમાં શોધવા માટે ગઈ હતી. જ્યાં ખેતરમાંથી માસુમ આકાશનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસે જણાવ્યું કે બાળકના પિતાની માતાનું લોકડાઉન વખતે અવસાન થયું હતું. તે વખતે વતન જવા માટે પડોશી કરણ ઉર્ફે આદિત્ય પાસેથી 7 હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ બાબતે 15 દિવસ પહેલા પડોશી અને બાળકના પિતાની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેના કારણે 7 હજારની રકમનો બદલો લેવા પડોશી હત્યારા કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ(25)એ તેના મિત્ર બરકતઅલી ઉર્ફે સોનુ રહેમતઅલી(24) સાથે બાળકની હત્યા કરી નાખી હતી. હાલમાં બંને હત્યારાઓને ખટોદરા પોલીસે પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. 

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર