શર્મશાર થયું સેલવાસ..! દુષ્કર્મ બાદ ચાર વર્ષની માસૂમની હત્યા કરી લાશના કર્યા ટૂકડા

 નરાધમ પાડોશીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી

સેલવાસના નરોલીમાં એક શર્મજનક ઘટના સામે આવી છે. ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી લાશના ટૂકડા કરી ફેંકી દેવાની ઘટનામાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસે એક પાડોશી નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સેલવાસના નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી ગુમ થઈ હતી. ઘટના બાદ પરિવારે આસપાસ બાળકીની શોધખોળ ચલાવી હતી, છતાં બાળકી મળી ન હતી. તો સાથે પાડોશીઓએ પણ બાળકીની શોધ કરી હતી, પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારે પોલીસને જાણ કરતા તપાસ દરમિયાન એક બિલ્ડીંગમાં બાથરૂમના બાજુએ કંઈક શંકાસ્પદ દેખાયું હતું. બાથરૂમના બારીના કાચ તૂટેલી હાલતમાં હતી. જેથી પોલીસની શંકા વધી હતી. ત્યારે બિલ્ડિંગની વચ્ચે આવેલ જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બાળકીને હત્યા એટલી નિર્દયી રીતે કરાઈ હતી કે, તેના ટુકડા કરી એક કોથળામાં ભરેલા હતા. 

પોલીસે રૂમ નંબર 109 માં રહેતા સંતોષ નામના શખ્સની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. આ બાળકીની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી લાશને સગેવગે કરી હતી. તેણે પોતાના બાથરૂમની બારીનો કાચ તોડી વચ્ચેની જગ્યાએથી બાળકીની લાશને ફેંકી દીધી હતી. પોલીસે સંતોષની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 

આરોપી નરાધમ એટલો ક્રુર હતો કે, તે બપોરે ઘર પાસે રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો. તે બાળકીને પોતાની ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, ઠંડા કલેજે હત્યા કર્યા બાદ નરાધમ બિન્દાસ્ત સૂઈ ગયો હતો. પાડોશીઓ જ્યારે બાળકીને શોધી રહ્યા હતા ત્યારે કંઈ જાણતો ન હોવાનો ડોળ તેણે કર્યો હતો. 

અગાઉ પણ છેડતી કરતા લોકોએ મેથીપાક આપ્યો હતો

નરાધમ સંતોષે અગાઉ પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કર્યા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે જે તે સમયે લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ ઇસમને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવ્યો હોત તો આજે બીજી માસૂમ બાળકી ભોગ બનતા બચી શકી હોત. આ કિસ્સો દરેક સોસાયટી અને ચાલીના રહીશો માટે લાલ બત્તી સમાન છે.

 94 ,  1