September 18, 2020
September 18, 2020

ટંકારામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દંપતી ફરાર થઈ જતા તંત્રમાં દોડધામ

મોરબી એમ્બ્યુલન્સ લેવા આવી ત્યાં ટંકારા હોસ્પિટલમાંથી કોરોના સંક્રમિત દંપતી ફરાર થઈ જતા આરોગ્ય વિભાગે પોલીસને જાણ કરી

ટંકારા તાલુકામાં આજે 15મી ઓગસ્ટએ બપોર સુધીમાં કુલ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ચોંકાવનારી બાબત એ છે કે ટંકારાના દેવીપૂજક વિસ્તારમાં રહેતા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ દંપતી ટંકારા હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. આ અંગે હાલ પોલીસને જાણ કરી કોરોના પોઝિટિવ દંપતીની શોધખોળ શરૂ કરાઇ છે. જ્યારે આજે ટંકારામાં 6 કેસની સાથે એક કેસ હળવદમાં પણ નોંધાયો છે.

ટંકારામાં આજે કુલ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ટંકારા શહેરના દેવીપૂજક વિસ્તારમાં રહેતા 45 વર્ષના પતિ અને 40 વર્ષની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ટંકારાના હીરાપર ગામમાં આવેલી ફેકટરીમાં રહેતા 45 વર્ષના પુરુષ અને ગજડી ગામના 38 વર્ષના પુરુષ તેમજ વિરપર ગામમાં પ્લોટ વિસ્તારમાં રવાહતા 60 વર્ષના વૃધ્ધનો તેમજ નસીતપર ગામના 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ ઉપરાંત હળવદ તાલુકાના કોયબા ગામના 73 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ટંકારામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં ટંકારાના દેવીપૂજકવાસ, અમારપર રોડ પર રહેતા પતિ-પત્ની બંને આજે સવારે 11 વાગ્યે ટંકારા હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સ મંગાવામાં આવી હતી.

પરંતુ જેવી મોરબીથી એમ્બ્યુલન્સ કોરોના પોઝિટિવ દંપતીને લેવા આવી ત્યાં સુધીમાં આ કોરોના પોઝિટિવ દંપતી હોસ્પિટલમાંથી ફરાર થઈને ભાગી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. હાલ તો આ ઘટના અંગે આરોગ્ય વિભાગે પોલીસને જાણ કરી છે. અને પોલીસ તંત્ર દ્વારા ફરાર થઈ ગયેલા કોરોના પોઝિટિવ દંપતીની શોધખોળ હાથ ધરી છે.

રીપોર્ટ :- જનક રાજા

 314 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર