ટ્વિટર બાદ હવે વોટ્સએપ કંપનીએ કેન્દ્ર સામે શિંગડા ભરાવ્યા..!

વોટ્સએપની ધમકી, ટ્વિટરનો ઇન્કાર

ભારતમાં સોશિયલ મીડિયાની બે મોટી આંતરાષ્ટ્રીય કંપનીઓએ કેન્દ્ર સરકાર સામે શિંગડા ભરાવ્યા છે. ટ્વિટર કંપનીનો વિવાદ હજૂ સમ્યો નથી ત્યાં મેસેજિંગ એપ વોટ્સઅપ કંપનીએ પોતાની પોલીસી ના મુદ્દે ભારત સરકાર સામે ધમકી ભર્યા શબ્દોમાં જવાબ આપ્યો છે.

પોતાની નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે સંઘર્ષનો સામનો કરી રહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં ચેતવણીજનક સૂરમાં કહ્યું હતું કે, અમને ભારતમાં અમારી નીતિઓ સાથે કામ કરવા નહીં મળે તો અમે અમારી દુકાન બંધ કરી દઈશું. જોકે, વોટ્સએપે યુરોપ અને ભારતમાં તેની પ્રાઈવસી પોલિસી અલગ અલગ હોવા મુદ્દે કોઈ જવાબ આપ્યો નહોતો. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીના અમલના મુદ્દે થયેલી અપીલની સુનાવણીમાં હાઈકોર્ટે વોટ્સએપને કહ્યું કે, તમારી પ્રાઈવસી પોલિસી યુરોપ અને ભારત માટે અલગ અલગ છે તેનો તમે ક્યારેય જવાબ નથી આપ્યો.

દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, યુરોપ અને ભારત માટે તમારી અલગ અલગ પોલિસી અંગે પૂછાયેલા સવાલનો તમે ક્યારેય જવાબ આપ્યો છે? આ અરજીમાં ક્યાંય પણ આ અંગે જવાબ નથી. આ જ બોટલનેક છે. શું તમે ક્યાંય પણ કહ્યું છે કે આ બંનેમાં તફાવત છે? વોટ્સએપ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, તેનો એક જ જેનેરિક જવાબ છે. પહેલા સંસદ પર્સનલ પ્રોટેક્શન બિલ લાગુ કરે. અમને અમારી નીતિ સાથે કામ કરવાની મંજૂરી મળશે તો અમે ભારતમાં કામ કરીશું. નહીં તો અમારી દુકાન બંધ કરી દઈશું. પરંતુ જ્યાં સુધી સંસદ કાયદો નથી બનાવતી ત્યાં સુધી તેના માટે શા માટે અમારા પર દબાણ કરવામાં આવે છે?

દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંહની બેન્ચ સમક્ષ વોટ્સએપે સ્પષ્ટ કર્યું હતું કે, આજની સ્થિતિ એ છે કે અમે અમારી પ્રાઈવસી પોલિસી મંજૂર કરવી કે નહીં, તે અમે અમારા યુઝર્સ પર છોડયું છે. યુઝર્સને કોઈપણ સ્થિતિમાં વોટ્સએપ અથવા તેના કોઈપણ ફીચરનો ઉપયોગ કરતા અટકાવાયા નથી. ડેટા પ્રોટેક્શન બિલનો અમલ ન થાય ત્યાં સુધી તે યુઝર્સને તેની નવી પ્રાઈવસી પોલિસી અપનાવવા માટે કહેશે નહીં. તેણે તેની આ પોલિસીનો અમલ હાલ સ્વૈચ્છિક રીતે અટકાવી રાખ્યો છે.

હરિશ સાલ્વેની દલીલના જવાબમાં કોર્ટે નોંધ્યું હતું કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીનો અમલ અટકાવાયો હોવા છતાં તે હજી પણ ચાલુ છે અને તે કોઈપણ સમયે તેનો અમલ કરી શકે છે. સાલ્વેએ ભારપૂર્વક કહ્યું કે, સંસદ ડેટા પ્રોટેક્શન બિલને કાયદો ન બનાવે ત્યાં સુધી અમે કંઈ કહેવા માગતા નથી. સંસદ અમને નવી પોલિસીનો અમલ કરવાની મંજૂરી આપશે તો અમે કરીશું, નહીં તો નહીં કરીએ.

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા લોકોના ડેટાના ઉપયોગને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. સંયુક્ત સંસદીય સમિતિ બિલની જોગવાઈઓની તપાસ કરી રહી છે અને તે ચોમાસુ સત્રમાં તેનો રિપોર્ટ રજૂ કરે તેવી શક્યતા છે. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીમાં તપાસના સીસીઆઈનો આદેશ અટકાવવા ફેસબૂક અને વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. વધુમાં સાલ્વેએ કોમ્પિટિશખન કમિશન ઓફ ઈન્ડિયાના સવાલોનો જવાબ આપવા માટે વોટ્સએપને જુલાઈના અંત સુધીનો સમય આપવા વિનંતી કરી હતી.

 48 ,  1