અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે રાજકારણમાં આવવાનો કર્યો ઇન્કાર !

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ તેમનાં પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ રાજકારણમાં જોડાશે તેવી એટકળો વહેતી થઇ હતી. જો કે હવે આ અટકળો પર વિરામ મૂકી દેવાયો છે. હાલ બંને ભાઇ-બહેન રાજકારણમાં સક્રિય થવાનો કોઈ ઈરાદો ધરાવતાં નથી. લોકોના આગ્રહ છતાં પણ તેમણે રાજકારણમાં પ્રવેશવા માટે હાલપૂરતો ઈનકાર કર્યો હતો. 2 દિવસ પહેલાં જ વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે બંનેને સક્રિય રાજકારણમાં લાવવા સંકેત આપ્યો હતો.

અંકલેશ્વર પાસેના પીરામણ ગામે અહેમદભાઈ પટેલના નિવાસસ્થાને સોમવારે શોકસભા યોજાઈ હતી. આ શોકસભામાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરો, તેમના ચાહકો શ્રધ્ધાંજલિ આપવા ઊમટી પડ્યા હતા. આ દરમિયાન અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે બહેન મુમતાઝની હાજરીમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પિતા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. પિતાએ સ્થાપેલી આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સેવાકીય સંસ્થાઓને આગળ ધપાવી પિતાનાં સપનાંને સાકાર કરીશું. છેલ્લા ત્રણ દિવસથી અશ્રુભીની આંખે આવતા લોકોને જોઈને લાગે છે કે અમારે લાગણીશીલ લોકોને સંભાળવા પડશે. લોકોની સેવા માટે અમે સદા તત્પર રહી પિતાનાં અવિરત સેવાનાં કાર્યોને આગળ ધપાવીશું. તેમણે કહ્યું કે, લોકોની સેવા કરવા માટે સાંસદ કે ધારાસભ્ય બનવું જરૂરી નથી.

પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પિતાની એક નેતા તરીકેની ઓળખ હતી પણ અહીં વતનમાં તેમની ઓળખ અલગ છે. અહીં મારા પિતાએ આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે જે કામો શરૂ કર્યાં હતાં અને છેલ્લે સુધી જે કાર્યો કર્યાં છે એને આગળ ધપાવવા માગીએ છીએ. ઘણા લોકોએ અમને રાજકારણમાં આવી પિતાનાં કામને આગળ લઈ જવા આગ્રહ કર્યો છે, પરંતુ રાજકારણથી દૂર રહી પિતાનાં અધૂરાં કાર્યોને આગળ ધપાવીશું.

જો કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ, પુત્રી મુમતાઝ રાજકારણમાં નહીં આવેે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર