અમદાવાદ : રિલીફ રોડ પર આવેલ આકાશ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ

આગના પગલે અફરાતફરી મચી, ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદના સૌથી ધમધમતા પૈકી એક રિલીફ રોડ વિસ્તાર ખાતે આવેલા આકાશ કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરતફરી મચી ગઈ હતી. જો કે, આ બનાવની જાણ થતા 6 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી બાજુ આ આગ કેમ લાગી તે પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સ્થાનિક લોકોનો કહેવા પ્રમાણે આગ શોર્ટ શર્કિટના કારણે લાગી છે. વિકરાળ આગના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવની માહિતી મુજબ આજે બપોરે રિલીફ રોડ પર આવેલા આકાશ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા જ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને કોમ્પ્લેક્સના ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને પગલે 6 ફાયર ફાઇટર, 1 હાઇડ્રોલીક મશીન અને 2 એમ્બ્યુલન્સ સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિત 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 45 મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી. હાલમાં ઘટનાસ્થળે કુલીગની કામગીરી થઈ રહી છે. આગને પગલે રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક માટે રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી