અમદાવાદ : ગળાના ભાગે છરો મૂકી શાહીબાગના યુવક સાથે ચલાવી લૂંટ

મોબાઇલ તેમજ પાકિટમાં રાખેલા 20 હજાર લૂંટી ફરાર થઇ ગયા

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. અડધી રાતે રિક્ષામાં આવેલા ચાર શખ્સોએ શાહીબાગના યુવકને આંતકી ગળાના ભાગે છરો મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ તેમજ પાકિટ છીનવી ફરાર થઇ ગયા હતા. આ મામલે શાહિબાગ પોલીસે અજાણ્યા ચાર લૂંટાળુઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

એસ.વી.પી હોસ્પિટલ ખાતે પેરામેડિકલ સ્ટાફમાં ફરજા બજાવતા તરૂણ પટેલ શાહીબાગ વિસ્તારમાં બસસ્ટેન્ડની બાજુમાં ચન્દ્રલોક સોસાયટીમાં રહે છે. ગત રોજ રાત્રે તરૂણ આઇ.ઇ.એલટી.એસની પરીક્ષાની તૈયારી માટે વાંચવા પોતાની એક્ટિવા લઇને મેઘાણીનગર ખાતે મિત્રના ઘરે ગયો હતો. પરત ઘરે ફરતા દરમિયાન આઇ.જી.પી કમ્પાઉન્ડ ગેટની બહાર ઘોડાકેમ્પ રોડ તરફથી આવી રહેલી એક રિક્ષાના ચાલકે એક્ટિવા આગળ લાવી ઉભી રાખી હતી. જેમાં ચાર લોકો સવાર હતા. જેમાંથી એકને છરો કાઢી તરૂણના ગળાના ભાગે મૂકી ધમકી આપતા કહ્યું હતું કે, જે પણ હોય તે મને આપી દે નહીં તો તને જાતી મારી નાખીશ. આ દરમિયાન બદમાશોએ ખિસ્સામાં મૂકેલ મોબાઇલ તેમજ એક્ટિવાની ડેકીમાં રાખેલું પાકિટ પડાવી લીધુ હતી. જેમાં 20 હજાર રૂપિયા રોકડા તેમજ કેટલા જરૂરી કાર્ડ હતા.

લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તો બીજી તરફ યુવકે શાહીબાગ પોલીસને જાણ કરી હતી. આ મામલે શાહીબાગ પોલીસે ચાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 50 ,  1