અમદાવાદ : કાયદાનો અભ્યાસ કરતા યુવકને નિકોલ પોલીસે બેરહેમીથી માર્યો માર, DCPને કરી ફરિયાદ

મોઢામાં ડૂચો નાખી ઊંધો લટકાવી પટ્ટા દંડાથી માર માર્યો હોવાનો આરોપ

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુ ભંગના ગુનામાં ધરપકડ કરાયેલા વેપારીને જામીન અપાવવા આવેલા એક યુવકને નિકોલ પોલીસે ખુબજ બેરહેમીથી માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવકને થર્ડ ડીગ્રી માર મરાયો છે, તે યુવક લો (low)ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. એટલુંજ નહી પણ પોલીસ દ્વારા યુવકના પિતાને પણ ચારથી પાંચ લાફા મારી દીધા હતા. સમગ્ર બાબતે હાલ ઝોન 5 ના ડીસીપી શ્રી અચલ ત્યાગી સાહેબ ને ફરીયાદ આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીસીપી 5 દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાત્રી આપી હતી.

ઘટના વિશે વધુ માહિતી મળતા જાણવા મળ્યું છે કે, નિકોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં યાદવ આમલેટ નામની એક રેસ્ટોરન્ટ ચાલે છે. ત્યાં રાતના સમયે નાઈટ ડ્યૂટી કરતા અમુક પોલીસકર્મીઓ મફતમાં જમવા જતા હોય છે. રેસ્ટોરન્ટના સંચાલક રમેશ યાદવનું કહેવું છે, કે રેસ્ટોરન્ટ ઉપર એકલ દોકલ આવતા પોલીસને તેઓ મફતમાં જમવાનું આપતા હોય છે. પરંતુ અમુક સમયે નિકોલ પોલીસ સ્ટેશનના 5 થી 7 પોલીસકર્મીઓ એક સાથે જમવા આવી જતા હોય છે. જેનું બિલ 2 થી 3 હજાર જેટલું થાય છે. જે હાલના સંજોગોમાં નથી પોસાતું, કારણકે કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ લોકોના ધંધા રોજગારમાં મંદી છે. જેથી આમલેટ રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલક રમેશ યાદવે પોલીસકર્મીઓ ને કહ્યું કે હવે પછી તમે જમવા આવો તો તમારે પૈસા આપવા પડશે. જેથી મફતમાં ખાવા ટેવાયેલા અમુક પોલીસકર્મીઓને આ વાતનું ખોટું લાગી આવતા તેની અદાવત રાખી હતી. અને ત્યારબાદ નાઈટ કર્ફ્યુ ના સમયે યાદવ આમલેટ રેસ્ટોરન્ટના સંચાલકની કર્ફ્યુ ભંગના ગુનામાં 188 હેઠળ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશન થી રમેશ યાદવે પોતાના સબંધીઓને ફોન કરી જામીન અપાવવા માટે જાણ કરી હતી.

નિકોલ પોલીસ સ્ટેશનમાં અટક કરાયેલા વેપારીને જામીન અપાવવા ઓઢવ થી તેમના પરિચિત મિત્ર મુકેશ યાદવ અને તેમના પિતા ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસ સાથે વાત કરી રમેશ યાદવને જામીન આપવા આજીજી કરી હતી. પરંતું નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી (LRD) દાજીરાજસિંહ રાઠોડ ત્યાં આવી પહોંચતા જામીન અપાવવા આવેલા યુવકને પૂછવા લાગ્યો હતો, કે તુ કોણ છે અને અહીંયા શુ કામ આવ્યો છે. જેથી યુવકે નિખાલસતા સાથે કહ્યું કે મારું નામ મુકેશ યાદવ છે, અને હું લો (low) ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. અને અટક કરાયેલા રમેશ યાદવ અમારા ગામના છે અને અમે એક બીજાના પરિચિત છીએ. તેમને જામીન અપાવવા હું અને મારાં પિતા પોલીસ સ્ટેશન આવ્યા છીએ.

આટલુ સાંભળીને LRD દાજીરાજસિંહ ઉશકેરાઈ ગયા હતા, અને પિતા પુત્રને કહ્યું કે અહિયાંથી ચુપચાપ નીકળી જાઓ નહી તો તમે બંને જણને પણ લોકઅપ માં નાખી દઈશ.જેથી યુવકે પોલીસકર્મી ને કાયદા વિશે જાણકારી આપતા કહ્યું કે 188 કલમમાં પોલીસ જામીન આપી શકે છે, તો તમે કેમ ના પાડો છો. ત્યારબાદ કઈ પણ વિચાર્યા વગર દાજિરાજસિંહે યુવક મુકેશ યાદવને મોઢા ઉપર મુક્કો મારી દીધો હતો. અને કહ્યું કે તુ અમને કાયદો સમજાવશે,બહુ વકાલત કરે છે. એમ કહી તેની સાથે હાથાપાઈ કરવાનું શરુ કરી દીધું હતું.ત્યારબાદ અન્ય પોલીસકર્મીઓ પણ ત્યાં આવી પહોંચતા યુવક મુકેશ યાદવને પકડી એક રૂમમાં લઈ ગયા હતા. ત્યાં તેને નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.  મુકેશ યાદવના પિતાએ પોલીસ સામે હાથ જોડીને વિનંતી કરી કે મારો દીકરો નિર્દોષ છે. તેમને છોડી દો આ તમે બરાબર નથી કરી રહ્યા છો. તમે પોલીસવાળા છો તો શુ કાયદો હાથમા લેશો, નિર્દોષ લોકો સાથે અત્યાચાર કરશો. આટલુ બોલતા પોલીસકર્મીઓ દ્વારા યુવકના પિતાને પણ લાફા મારી દીધા હતા.

નિકોલ પોલીસને મફતમાં ખાવાની ના પાડી દેતા તેની અદાવત રાખી આમલેટની રેસ્ટોરન્ટ ચલાવતા માલીકની ધરપકડ કરી તેના ઉપર ગુનો નોંધ્યો હતો. અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ ઉપર કલંક લાગતો હોય છે. અને નિકોલ પોલીસે તો હદ વટાવી નાખી. કારણકે પોતાના મિત્રને કર્ફ્યુ ભંગના ગુનામાં જામીન અપાવવા આવેલા તેમના મિત્ર મુકેશ યાદવ ઉપર ખોટી રીતે 186 મુજબનો ગુનો (પોલીસના કામમાં રુકાવટ પેદા કરવી) નોંધી તેને થર્ડ ડીગ્રી માર મરાયો હતો. જેમાં ભોગ બનેલા યુવક મુકેશ યાદવે નિકોલ પોલીસકર્મીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાડ્યા છે.

 તો બીજીતરફ પીડિત યુવક મુકેશ યાદવ દ્વારા અમદાવાદના ઝોન 5 ડીસીપી શ્રી અચલ ત્યાગી સાહેબને રૂબરૂ મળી લેખિત ફરીયાદ કરી ન્યાયની માંગણી કરી છે. જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી દાગીરાજસિંહ, (LRD) હેડ કોન્સ. મેહુલ અમૃતલાલ, હેડ.કો સંજય નાથાલાલ, રવિરાજ અને સંતોષ નામના પોલીસકર્મીઓ વિરૃદ્ધ અમાનુશી અત્યાચાર ગુજારી ઢોર માર માર્યા હોવાની ફરીયાદ કરી છે. અને માંગણી કરી છે કે, આ તમામ પોલીસકર્મીઓમાં અમુક દારૂના નશામાં ચૂર હતા, અને તેમણે કાયદાનો ઉલ્લંઘન કરી પોલીસ હોવાનો ગેર લાભ ઉઠાવ્યો હતો. જેથી આ તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે.

 110 ,  1