અમદાવાદ : ઘરમાં સૂતી મહિલાને ચાલીનાં યુવકે ચુંબન કરી અડપલાં કર્યા

મહિલા જાગી જતા યુવક ફરાર થઇ ગયો, શાહીબાગમાં ફરિયાદ

મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા કરે તેવો ચોંકાવનારો કિસ્સો શહેરના શાહીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં 39 વર્ષીય વિધવા મહિલા તેના ઘરમાં સૂતી હતી. તે દરમિયાન અડધી રાતે ચાલીમાં રહેતો યુવક ઘરની અંદર ઘુસ્યો હતો અને તેણે મહિલાને ચુંબન કરી અડપલાં કર્યા હતા. જો કે, મહિલા જાગી જતા મહિલાએ યુવકને ધક્કો મારતા તે દુર પટકાયો હતો. ત્યારબાદ તકનો લાભ લઇ યુવક ફરાર થઇ ગયો હતો. જેથી મહિલાએ યુવક સામે છેડતી અને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકમાં નોંધાવી છે.

શાહીબાગની એક ચાલીમાં રહેતી 39 વર્ષોય રોમા (ઓળખ છુપાવા નામ બદલ્યું છે)ના પતિનું 10 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હોવાથી તે તેના બે સંતાનો અને સાસુ સાથે એકલી રહે છે. 16 મી ફેબ્રુઆરીની રાતે રોમાની સાસુ ઘરની બહાર સૂતા હતા અને ઘરનો દરવાજો સાસુએ બહારથી સ્ટોપર મારીને બંધ કર્યો હતો. રોમા અને 18 વર્ષીય દીકરી અને 12 વર્ષીય દીકરા સાથે ઘરની અંદર હતા.રાતના ત્રણ વાગ્યાની આસપાસ રોમાની ચાલીમાં રહેતા સુરેન્દ્રસિંહ ઉર્ફે સુર્યો ચૌહાણ રોમાના ઘરના દરવાજાની સ્ટોપર ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો. તેણે રોમાના પલંગ પાસે આવી તેના હોઠ પર પોતાના હોઠ અડાવી ચુંબન કર્યું હતું અને રોમાની છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો.

જેથી રોમા ઉંધમાથી જાગી જતા તેણે સુરેન્દ્રસિંહને ધક્કો મારીને દૂર કર્યો હતો અને બુમા બુમ કરતાં તેની દીકરી-દીકરો તેમજ સાસુ જાગી ગયા હતા અને આજુબાજુની ચાલીના માણસો ભેગા થતા છેડતી કરનાર ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે રોમાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી તેમજ શારીરિક અડપલાંનો ગુનો નોંધી આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.

 79 ,  1