September 27, 2020
September 27, 2020

અમદાવાદ : ઉપરવાસમાં વરસાદના પગલે સાબરમતી નદી કાંઠાના 30 ગામોને કરાયા અલર્ટ!

ધરોઇ ડેમની સપાટી વધી, હાલ સાબરમતી નદીનું જળસ્તર રૂલ લેવલ પર સ્થિર

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદે તમામ કસર પૂરી કરી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધી 33.60 ઈંચ સાથે સિઝનનો 102.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 188.40 ટકા નોંધાયો છે. રાજ્યના 206 ડેમમાં 65.64 ટકા પાણી છે. રાજ્યના 76 જળાશયો 100 ટકા ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ 2.24 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.4 મીટરનો વધારો થયો છે. 

તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લાખો ક્યૂસેક પાણી અનેક મોટા ડેમ મારફતે અનેક નદીઓમાં છોડવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીમાં પૂરના એંધાણના પગલે તંત્રએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં સાબરમતી નદી કાંઠાના 30 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અમદાવાદના 30 ગામોની વાત કરીએ તો તેમાં ધોળકાના 15, દસ્ક્રોઈના 10 અને બાવળાના 5 ગામોનો સમાવેશ થાય છે, આ 30 ગામના લોકોને સજાગ રહેવા અને નદીમાં ન જવા સૂચના અપાઈ છે.

રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી વધવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સંત સરોવરમાં ઠલવાશે. ત્યારબાદ સંત સરોવર ડેમ ભરાઈ ગયા બાદ વધારાનું પાણી સાબરમતીમાં ઠલવાશે. હાલ સાબરમતી નદીનું જળસ્તર રુલ લેવલ પર સ્થગિત છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર