અમદાવાદ : ભાવનગરના વૃદ્ધે હાથની નસો કાપી કર્યો આપઘાત

ગુરુકુળ રોડ પર સ્થિત હોટલ દેવભવનમાં લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ

અમદાવાદ શહેરના ગુરુકુળ રોડ ખાતે આવેલ એક હોટલમાં ભાવનગરના વૃદ્ધે હાથની નસો કાપી આપઘાત કરી લીધો છે. વૃદ્ધાનો સવારે હોટલના રૂમમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી તે બીજી તરફ વસ્ત્રાપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, ગુરુકુળ રોડ પર સ્થિત હોટલ દેવભવનમાં ભાવનગરના 60 વર્ષીય વિજયભાઈ ગોરડિયા શુક્રવારે સાંજે 6.00 વાગ્યે રોકાવા માટે આવ્યા હતા. શનિવારે સવારે જ્યારે ચેક આઉટ માટે હોટલ-સ્ટાફે દરવાજો ખખડાવ્યો ત્યારે તેમણે દરવાજો ખોલ્યો નહોતો. હોટલ-સ્ટાફ દ્વારા અનેકવાર દરવાજો ખખડાવવા છતાં વિજયભાઈએ દરવાજો ન ખોલતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો.

પોલીસે આ દરવાજાને તોડીને આખરે જોયું તો વિજયભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં રૂમમાં જમીન પર પડ્યો હતો. તેમણે પોતાના હાથની નસ કાપીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ભાવનગરમાં રહેતા તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 46 ,  1