અમદાવાદ : પતિને આપધાત કરવા મજબૂર કરનાર બેવફા પત્નીની ધરપકડ, ત્રણ વાર ખેલી ચૂકી પ્રેમના ખેલ

પત્નીની બેવફાઈથી કંટાળી પતિએ ગળેફાંસો ખાઇ કર્યો હતો આપઘાત

શહેરના ગીતામંદિર વિસ્તારમાં રહેતા ભરત મારૂ નામના યુવકે પોતાની પત્નીના આડા સંબંધથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલાં યુવકે બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા પત્ની દક્ષાને પાડોશી યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું સામે આવતા કાગડાપીઠ પોલીસે મૃતકની પત્ની દક્ષા અને તેના પ્રેમી જીગ્નેશ સામે દુષપ્રેરણાની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે પહેલા પ્રેમીની ધરપકડ કરી હતી. હવે પિયરમાં રહેતી આરોપી પત્નીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, શહેરના ગીતામંદિર વિસ્તારમાં ભરત મારૂના આઠેક વર્ષ પહેલા દક્ષા સાથે લગ્ન થયા હતા. અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.

7 સપ્ટેમ્બરના રોજ ભરતે પોતાની માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ભરત બાજુની રૂમમાં પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોએ ભરતે આપેલ પેન ડ્રાઇવ અને મોબાઇલ ફોન લઇ ચેક કરતા એક રેકોર્ડિંગ મળ્યું હતું. જેમાં પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે પ્રેમ સબંધ હોવાનું જણાવ્યું હતું. જેના કારણે આ પગલું ભર્યું હતું.

જેની તપાસ બાદ પોલીસે આત્મહત્યા માટે જવાબદાર પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. પોલીસે પ્રેમી જિગ્નેશ મકવાણા અને પત્નિ દક્ષા મારુની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી પત્નિએ કરેલા ખુલાસા બાદ પોલીસ પણ ચોંકી ગઇ છે.

આરોપી પત્ની દક્ષાની પુછપરછ કરતા સામે આવ્યુ કે, દક્ષા અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી ચુકી છે. દક્ષાના 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષા ગારિયાધારના એક યુવકના પ્રેમમાં હતી, જેથી તેમના છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી ત્યારે તેનો સંબંધ મ઼તક ભરત મારુ સાથે થયો. બાદમા તેમના લગ્ન પણ થયા અને 3 વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમા હતી અને તેની જાણ થતા દક્ષાના પતિ ભરત મારુએ આત્મહત્યા કરી હતી.

હાલ આ મામલે પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

 164 ,  1