September 23, 2021
September 23, 2021

અમદાવાદ : સરકારી તળાવની જમીનને બારોબાર વેચવાનો કિસ્સો, એકની ધરપકડ

જમીનના ખોટા કરાર બનાવીને ખાનગી પ્લોટ પોતાનો હોવાનું કહેતા

અમદાવાદમાં સરકારી તળાવની જમીનને બારોબાર વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચવા જતા આરોપીની વાસણા પોલીસે ધરપકડ કરી છે.

સરખેજ વિસ્તારમાં આવેલા સૈજપુર ગોપાલપુરા વિસ્તારમાં આવેલા સરકારી તળાવની જમીનને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચવાના ઈરાદે કરવામાં આવેલ કરાર અંગે આ ફરિયાદ નોંધાઇ છે. જો કે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપી મુકેશ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય એક ફરાર ચિરાગ ભરવાડને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં આવેલા સૈજપુર ગોપાલપુરા વિસ્તારમાં આવેલા સરકારી તળાવની જમીનને મુકેશ અને ચિરાગ ભરવાડ પોતાની બનાવી ચૂકેલા. એટલું જ નહીં તે જમીનના ખોટા કરાર બનાવીને ખાનગી પ્લોટ પોતાનો હોવાનું પણ લોકોને કહેતા હતા.

જેને પગલે ફરિયાદીએ આ પ્લોટ ખરીદવાનો હોવાથી એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયાની લેતી દેતી વિશાલા હોટલ પાસે થઈ હોવાથી ફરિયાદીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો અને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ચિરાગ ભરવાડ અગાઉ પણ અમદાવાદ કોર્પોરેશનની જમીન પોતાની બતાવી વેચવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને જેલ પણ ભોગવી છે. જો કે હાલ તો વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપી મુકેશ ભરવાડની ધરપકડ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં સંડોવાયેલ ચિરાગ નાકું ભરવાડ ક્યારે પકડાય છે અને અન્ય શું નવા ખુલાસા થાય છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં સરકારી જમીનો પચાવી પાડીને તેનો બારોબાર સોદો કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે આ તમામ કેસમાં સરકારી અધિકારીઓ દ્વારા જ સરકારી જમીનની સમયાંતરે માપણી અને તેની સુરક્ષા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે. તેથી સરકારી જમીન પર સરકાર પોતે જ ધ્યાન રાખે અને સમયાંતરે તેની ચકાસણી કરે તો લોકો આવી છેતરપિંડીથી બચી શકે તેમ છે.

 35 ,  1