અમદાવાદ : રથયાત્રા પહેલા જળયાત્રાનો પ્રારંભ, સોમનાથ ભુદરના આરે પૂજા-આરતી

નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને મંદિરના મહંતે સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું

કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની 144ની રથયાત્રાનું આયોજન થશે કે નહીં તેને લઈને હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ રથયાત્રા પહેલા જેઠ પૂનમ એટલે કે ગુરુવારે અમદાવાદમાં કોરોનાની ગાઇડ લાઇન સાથે જળયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

જળયાત્રા જગન્નાથ મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી છે. ગંગા પૂજા કર્યા બાદ ભગવાનનો અભિષેક કરવા પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન , પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યાં નથી.

મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કરે છે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે જેમાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.

 48 ,  1