અમદાવાદ : સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ, પાંચ લોકો સામે ફરિયાદ

નરોડા વિસ્તારમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, ત્રણની ધરપકડ

અમદાવાદ શહેરમાં પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ પોલીસના હાથે ઝડપાયું છે. બાતમીને આધારે તપાસ કરતા આ આખું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી અનાજ બારોબાર સોદો કરી વેચી દેવામાં આવતું હોવાનું સ્પષ્ટ થયું છે. ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે. ત્યારે આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં સેક્ટર 2 જેસીપી સ્ક્વોડની ટીમે આ મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળી હતી. નરોડા GIDCમાં ફેજ-3માં અંબિકા કાંટાની ગલીમાં મુડસોડનીક કંપનીની બાજુમાં આવેલ ગોડાઉન નં 12માં એક ટ્રક મારફતે સરકારી અનાજનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા હરકતમાં આવી રેડ પાડી હતી.

સ્ક્વોડના PSI અને ટીમે નરોડા જીઆઇડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતાં સરકારી રેશનિંગના આશરે 16 હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક મળી આવી હતી. ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી અને ગોડાઉન માલિક મહેશ નાથાણી મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા શાહીબાગ ઘોડાકેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો.

જોકે, ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. પોલીસે આ બાબતે પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જથ્થો ગીતાબેનના દુકાને લાવવાનો હતો. પરંતુ દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હતું.

વધુ પૂછપરછ કરતાં જથ્થો ગીતાબેનના દુકાને લાવવાનો હતો પરંતુ દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હતું. પોલીસ અને પુરવઠા વિભાગે સમગ્ર જથ્થો સીઝ કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દુકાન માલિક અને વહીવટદારની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

લોકડાઉન તેમજ કોરોનાના કપરા સમયમાં સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી જરૂરિયાતમંદ લોકોને સરકારી સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ નું વિતરણ કરી રહી છે, પરંતુ રેશનિંગ અનાજનો વેપાર કરનાર કેટલાક માફિયાઓ સરકારી ઉંદરોની મીલીભગતની આડમાં સરકારી અનાજનો જથ્થો બુચ મારી રહ્યા છે.

આ કૌભાંડ છેલ્લા કેટલા વખતથી ચાલતું હતું, અન્ય કોઇની સંડોવણી છે કે કેમ, આ અનાજ કઇ જગ્યાએ વેચાતું હતું, કોણ ખરીદતું હતું વગેરે મુદ્દે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ સરનામાં

  • પરશોત્તમભાઇ દશરથલાલ તિવારી (રાણાપ, અમદાવાદ)
  • ગીતાબેન અશ્વિનકુમાર ચુનારા (અમદાવાદ)
  • મહેશભાઇ હરગોવનદાસ નાથાણી (નોબલ નગર, કુબેરનગર, અમદાવાદ)
  • મદનભાઇ માંગીલાલ તૈલી (સ્વામીનારાયણ પાર્ક, હરીર્શન ચાર રસ્તા, નરોડા, અમદાવાદ)
  • સુખીબીર રામદયલસિંગ તોમર (કુંભાજીની ચાલી, રામેશ્વર, મેઘાણીનગર, અમદાવાદ)

 92 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી