રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 આરોપીની કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયા સામે ફરિયાદ નોંધી

ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીઓની ધરપકડ કરી છે, પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ સીપીયુ સહિત રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે રેશનિંગની દુકાનોમાંથી માલ ન ખરીદતા હોય તેવા લોકોની જાણ બહાર, તેમના ખાતે અનાજનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આરોપીઓ માલ ન ખરીદતા હોય તેવા કાર્ડધારકોના ઓનલાઈન બિલો બનાવીને નાણા મેળવી લેતા હતા.

રેશનકાર્ડ ધારકોની જાણ બહાર માહિતી ભેગી કરતા હતા. આંગળીની છાપોના ડેટા, કેમસ્કેનર અને સેવ ડેટાના સોફ્ટવેર બનાવીને આરોપીઓ ડેટા કોપી કરી લેતા હતા અને ખોટા બિલોનો ઉપયોગ સાચા બિલો તરીકે કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જણાવવું રહ્યું કે સસ્તા અનાજની દુકાનોમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેની રાજ્યવ્યાપી તપાસ થવી જરૂરી છે. આર્થિક ગોબાચારીની સાથે અનાજમાં જીવાતની જેમ ભળી ગયેલા કાળાબજારીયાઓ પર પણ સકંજો કસવાની જરૂર છે. તાજેતરમાંજ પંચમહાલ અને મહિસાગરમાં આવા જ હલકી ગુણવત્તા ધરાવતા અનાજની ફરિયાદ સામે આવી હતી.

પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજ ની દુકાને લાભાર્થીઓને સડેલું અનાજ મળ્યા બાદ તેની ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લામાં 400થી વધુ સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવી રહેલા અનાજ અને કઠોળના જથ્થામાં યોગ્ય ગુણવત્તા ન હોવાની ફરિયાદો ઉઠી છે.

વાત ખાલી પંચમહાલની નથી પરંતુ આવા જ પ્રકારની ફરિયાદો ઉઠી છે મહિસાગરમાં પણ. આ જિલ્લામાં પણ સરકાર માન્ય દુકાનોમાં આપવામાં આવતા ચોખામાં ગેરરીતિનો વીડિયો વાયરલ થયો હતો જે સામે આવ્યા બાદ તંત્રમાં સોપો પડી ગયો છે.

ગરીબોને આપવામાં આવતા અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખાનપુરના બડેસરા ગામની સરકાર માન્ય દુકાનમાં વહેંચણી બાદ ગરીબ પ્રજાનો આ આક્ષેપ છે અને બકાયદા તેનો વિડિયો પણ બનાવીને વાયરલ થઈ જતા તંત્ર માટે આ તપાસનો વિષય બન્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ચોખા પ્લાસ્ટિકના હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતા સરકારી તંત્ર માટે નીચાજોણા સમાન થયું હતું.

આવા તત્વો ગરીબોનાં નામે અનાજ મેળવીને છેવટે નુક્શાન આવા ગરીબોને કરતા હોય છે તો તેના પર પણ સરકારે લગામ લગાડવાની જરૂર છે.

 37 ,  1