પ્રાંત અધિકારી કે પ્રેમ અધિકારી…? આખરે થઇ અટકાયત

અમદાવાદ સાયબર ક્રાઇમે પ્રાંત અધિકારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

ક્લાસ ટુ અધિકારીઓ વચ્ચેની જાતીય સતામણી પહોંચી સાયબર ક્રાઇમમાં..

અરવલ્લી સેવાસદનમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી પોતાના ઇશ્ક મિજાજને લઇ ચર્ચામાં આવ્યા છે. ભૂતકાળમાં અરવલ્લી જિલ્લાના તાલુકા મથકે ફરજ બજાવી ચુકેલી યુવાન મહિલા અધિકારી સાથે સંપર્કમાં આવેલા પ્રાંત અધિકારી છેલ્લા એક વર્ષથી મહિલા અધિકારીને ફોટા તેમજ વીડિયો મોકલી હેરાન પરેશાન કરતો હોવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં મહિલા અધિકારીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા મામલો અમદાવાદ સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમે પ્રાંત અધિકારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા મયંક પટેલ (મૂળ વતન શિહોરા, તા.કપડવંજ, જિ.ખેડા)ની અમદાવાદ સાઇબર ક્રાઇમે અટકાયત કરતાં જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પ્રાંત અધિકારીએ ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા ક્લાસ-ટુ મહિલા અધિકારીને છેલ્લા એક વર્ષથી ફોટા અને વીડિયો મોકલતો હતો. અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. જો કે છેલ્લા એક વર્ષથી મહિલા અધિકારી ઇશ્ક મિજાજી પ્રાંત અધિકારીની આ હરકતોને સહન કરતી આવી રહી હતી. જો કે આખરે મહિલા અધિકારીએ પોતાના પતિ તેમજ પરિવારને આ વિશે વાત કરી હતી. જેથી મહિલા અધિકારીના પતિ અને પરિવારે પણ પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો. જો કે, અધિકારી કોઇનું માન્યો નહોતો અને પોતાની મનમાની તેમજ ફોટા અને વીડિયો મોકલવાનું ચાલું રાખ્યું હતું. આથી કંટાળેલી મહિલા અધિકારીએ અમદાવાદ સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.

વિગત મુજબ, મહિલા અધિકારીને પ્રાંત અધિકારી એક વર્ષથી બ્લેકમેલ કરતો હતો. મહિલા અધિકારીના પરિવારે પ્રાંત અધિકારીને મળીને સમજાવ્યો હોવા છતાં પણ માન્યો નહોતો અને મહિલા અધિકારીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર મહિલા અધિકારીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી પણ પ્રાંત અધિકારી આપતો હતો. પ્રાંત અધિકારીની સાન ઠેકાણે લાવવા માટે મહિલા અધિકારીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા હવે પ્રાંત અધિકારી સકંજામાં આવ્યો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમે મોડાસાથી પ્રાંત અધિકારીની અટકાયત કરી અમદાવાદ ખાતે લઇને આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 67 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી