અમદાવાદ : કારંજ પોલીસે ડ્રગ્સ પેડલર મોઈનખાનની કરી ધરપકડ

પોલીસે 1.70 લાખ રૂપિયાનું 17 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું

અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારમાં જાન સાહેબની ગલીમાં MD ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની કારંજ પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 1.70 લાખ રૂપિયાની કિંમતનું 17 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં શહેરના શાહઆલમનો મુજી મુખ્ય સપ્લાયર હોવાનું ખુલ્યુ છે. કારંજ પોલીસે ગુનો દાખલ કરીને ડ્રગ્સ આપનારની વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, અમદાવાદ શહેરમા નશાનો કાળો કારોબાર ખુબજ ફૂલ્યો ફાલ્યો છે. કારંજ પોલીસે 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મોઈનખાન ઉર્ફે પાપા પઠાણની ધરપકડ કરી છે. આરોપી જાન સાહેબની ગલી પાસે ડ્રગ્સનું વેચાણ કરતો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી મોઈનની પુછપરછમાં શાહઆલમ ટોલ નાકા પાસે રહેતો અને એમડી ડ્રગ્સનો સપ્લાયર મુજીનું નામ સામે આવ્યુ છે જેની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કારંજ પોલીસના PI ડી વી તડવીને બાતમી મળી હતી કે જાન સાહેબની ગલીમાં હોટલ બાલવાસની ગલીના નાકે એક શખ્સ MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે આરોપી શખ્સને ઝડપી તેની પાસે તપાસ કરતા તેની પાસેથી 1.70 લાખ રૂપિયાની કિંમતનો 17 ગ્રામ MD ડ્રગ્સના પાવડરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં મોઈનખાન ઉર્ફ પાપા મુસ્તાકખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું.પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે એમડી ડ્રગ્સનો જથ્થો પીરકમલ ચાર રસ્તા શાહઆલમ ટોલનાકા પાસે રહેતા મુજી પાસેથી લાવ્યો હતો. હાલમાં મુજી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલ આરોપી મોઈનખાન છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સ પેડલર તરીકે લોકોને છુટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો. પોલીસને શંકા ન જાય તે માટે ખજૂરનો વેપાર કરતો હતો. એટલે કે ખજૂરના બહાને નશાનું વેચાણ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીના પિતા મુસ્તાકખાન પણ ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલ હતા. જેની 20 વર્ષ પહેલા પોલીસે ધરપકડ કરી હતી.

 73 ,  1