અમદાવાદ : મોંઘો ગેસ…મોંઘુ તેલ…બંધ કરો આ લૂંટનો ખેલ…!

કોંગ્રેસની સાયકલ યાત્રા દ્નારા મોંઘવારીનો ઉગ્ર વિરોધ

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને રાંઘણ ગેસ, તેલ સહિતના બેફામ ભાવ વધી રહ્યા છે જેને પગલે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે આજે ભાવ વધારાના વિરોધમાં અમદાવાદમાં વિપક્ષ પાર્ટી કોગ્રેસના આક્રમક તેવર જોવા મળ્યાં છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો વિરોધ કરવામાં આવ્યો. પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયથી આ સાયકલ યાત્રા શરૂ કરાઇ હતી જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતાં એટલું જ નહીં આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. જેઓએ ખાદ્યતેલથી માંડીને ગેસ સિલિન્ડરના વધેલા ભાવ મુદ્દે રચનાત્મક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આસમાને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીના વિરુદ્ધમાં કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટી હવે આક્રમક બની છે. ત્યારે કોંગ્રેસે આજે સાયકલ યાત્રા યોજી વિરોધ કર્યો હતો. અગાઉ પણ કોંગ્રેસ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ સાયકલ યાત્રા યોજ્યા બાદ આજે અમદાવાદમાં પ્રદેશ કક્ષાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. જેમાં કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો ગેસ સિલિન્ડરના વધતા ભાવ, મોંઘવારી મુદ્દે હાથમાં પ્રાઈમસ અને સગડી સાથે દેખાવ કર્યા હતાં. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સાયકલ યાત્રા યોજી હતી.

31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીને કારણે ભારત સરકારને 3.35 લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે તેમ લોકસભાને ગઈકાલે પેટ્રોલિયમ પ્રધાને જણાવ્યું હતું. જેને પગલે ભારત સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં 88 ટકાનો વધારો થયો છે.

 75 ,  1