અમદાવાદ : યુવકે રચ્યું અપહરણનું ખોટું તરકટ, પત્ની સહિત પરિવારને આપી ધમકી

ક્રાઈમ બ્રાંચે યુવકને જયપુરથી ઝડપી નરોડા પોલીસને સોપ્યો

નરોડા વિસ્તારમાં અપહરણ ની ખોટી જાહેરાત કરી પોલીસને ગુમરાહ કરનાર ઇસમની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં જ રવિ નામનો યુવક ઘરેથી આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલાવવા માટે જાઉ છું તેમ કહીને નીકળ્યો હતો. ત્યાર બાદ તેના પિતા, માતા અને પત્ની પર કોઈ અજાણી વ્યક્તિએ કોલ કરીને રવિને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બાબતે રવિના પિતા નરેશભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે તપાસ થતાં રવિ જયપુરથી મળી આવતાં તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે.

નરોડા વિસ્તાર વિસ્તારમાં આશિર્વાદ એવન્યુ, હરીદર્શન ચાર રસ્તા પાસે રહેતા રવિ નરેશભાઇ પંડયાનું અપહરણ થયું હોવાની ઘટના બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં લાગી ગઇ હતી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ રવિની શોધખોળ માટે નરોડા પોલીસ સ્ટેશન, રવિનું ઘર તેમજ અન્ય જગ્યાએ તપાસ કરી હતી. ત્યાર બાદ સચોટ માહિતી તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં રવિ રાજસ્થાનના જયપુર એસ.ટી.ડેપો નજીકથી એકલો ફરતો મળી આવ્યો હતો.

પોલીસે રવિની પુછપરછ કરતાં રવિ પંડ્યાએ ખૂદ અપહરણનું ખોટું તરકટ રચ્યું હતું. રવિ પંડ્યા થોડાક વર્ષો ઈસ્ટ આફ્રિકામાં તાન્ઝાનિયામાં કોમોડીટીની વસ્તુઓનો વેપાર કરતો હતો. કોરોના મહામારીમાં તેના ધંધામાં નુકસાન થયું હતું. તેને તાન્ઝાનિયાથી ભારત પરત આવવા માટે પૈસા નહોતા. તેણે પોતાના પિતાને આ વાત કરતાં પિતાએ દેવું કરીને તેને પરત આવવા માટે બે લાખ રૂપિયા આપ્યાં હતાં. જેથી તે જૂન 2021માં ભારત પાછો આવ્યો હતો.

તાન્ઝાનિયાથી પરત અમદાવાદ આવી ખાનગી કંપનીમાં નોકરી કરતો

રવિ પંડયા ભારત આવી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ નજીવા પગારને કારણે જીવન નિર્વાહ બરાબર ચાલતું ન હતું. તેમજ દેવું કરી લીધેલ રૂ.2 લાખ પરત આપવાના હોય, જે પણ ચુકવી શકેલ નહી. જેથી પોતે કંટાળી ગયેલ હતો, પોતે કોઇ અઘટિત પગલું ભરવાનો વિચાર કરી 27 ડિસેમ્બરના રોજ આધારકાર્ડમાં મોબાઇલ ફોન નંબર બદલવા માટે જાઉં છું તેમ કહી પોતે પોતાનું ઘર છોડી નીકળી ગયેલ હતો. શાહીબાગ નમસ્તે સર્કલ ખાતે થી લકઝરી બસ પકડી અમદાવાદ થી જોધપુર, જોધપુરથી જયપુર, જયપુરથી દિલ્હી, દિલ્હી થી જમ્મુ ગયેલ અને જમ્મુથી દિલ્હી તેમજ દિલ્હી થી જયપુર આવેલ હતો. છેલ્લે જયપુર બસ ડેપો ખાતે એકલો ફરતો પોલીસના હાથે લાગ્યો હતો.

“રવિ પંડયાને મારી નાખી દિધેલ છે” તેવો પત્નીને ખોટો મેસેજ કર્યો

રવિ પંડયાએ પોતે પોતાના મોબાઇલ ફોનનું સીમ કાર્ડ બદલી વોટસએપ કોલ તેમજ ટેક્સ મેસેજથી પોતાની પત્નિને મેસેજ કરી પોતેજ “રવિ પંડયાને મારી નાખી દિધેલ છે” તેવી ખોટી જાહેરાત કરેલ હતી. જેથી રવિ પંડયાની પત્નિ હિરલે તેમના સસરા નરેશભાઇ પંડયાને ઉપરોકત હકીકતની જાણ કરતાં તેઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે રવિ પંડયાના અપહરણ સબંધે ફરીયાદ લખાવી હતી. જે અંગે રવિ મળી આવતાં વધુ તપાસ માટે નરોડા પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી