અમદાવાદ : પિતા અને નાનોભાઇ પૈસાની માંગણી કરી ત્રાસ આપતા મોટાભાઇએ આગ ચાંપી મોતને કર્યું વહાલું

મહિલાની ફરિયાદ બાદ ઓઢવ પોલીસે સસરા અને દિયર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી

શહેરના ઓઢવ વિસ્તારમાં પિતા અને નાના ભાઇના ત્રાસથી મોટાભાઇએ કેરોસીન છાંટી આગ ચાંપી કરી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નાનાભાઇની ચઢવણી બાદ પિતા ખોટા આરોપ લગાવી યુવકને ત્રાસ આપતા હતા. મૃતક માતાના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી વાપરી નાખ્યા તેમ કહી હડધુત કરતા હતા. જેને લઇન યુવકે આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતક યુવકની પત્નીએ સસરા અને દિયર સામે પતિને મોત માટે મજબૂર કર્યાનો આરોપ લગાવી ઓઢવ પોલીસ મથકમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

ઓઢવના આદિનગરનાથ મુનાપાર્ક સોસાયટીમાં રહેતા મૃતકની પત્નીએ ફરિયાદમાં આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સસરા અને દિયર જીવન નિર્વાહ માટે પતિ પાસે દર મહિને ચાર હજારની માંગણી કરી હતી. જો કે પતિનો પગાર ઓછો હોવાથી સરમયસર આપી શકતા ન હતા. જેથી સસરા અવાર નવાર પતિને ઠપકો આપતા હતા.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિયરે સસરા સામે પતિની ચઢવણી કરી સાસુના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી ગોલમાલ કર્યો હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ સસરા પૈસાની માંગણી કરી ઝઘડો કરતા હતા. ગત રોજ સસરાએ ફરી પૈસાની માંગણી કરીને કહ્યું હતું કે, તું મને વાપરવા પૈસા કેમ આપતો નથી. તું મકાન માલિક થઇ ગયો છે. આ મકાન હું વેચી દેવાનો છુ ભાગ પાડવાના છે તેમ કહી પતિને ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ બપોરના સમયે પતિએ ઘરમાં કેરોસીન છાંટી પોતાની જાતે શરીર પર આંગ ચાંપી દીધી હતી. આ દરમિયાન સસરા અને દિયર બન્ને જોતા રહ્યા હતા પરંતું મદદે આવ્યા ન હતા. અને કહેવા લાગ્યા હતા કે મરી જાય તો શાંતિ થાય…

જો કે બાદમાં મહિલાએ 108ને ફોન કરી પતિને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. પતિ ગંભીર રીતે દાઝી જવાથી આખરે મોતને ભેટ્યા હતા. મરતા પહેલા યુવકે પોલીસ સમક્ષ જુબાની આપતા કહ્યું હતું કે, પિતા અને નાનો ભાઇ અવાર નવાર પૈસાની માંગણી કરી ત્રાસ આપતા હતા. હું ઘરમાં મોટો હોવાથી મારુ માન ન આપતા અને ખોટા આરોપ લગાવી હડધુત કરતા જેથી રસોડામાં જઇ મોતને મરી જવા કેરોસીન છાંટી આગ ચાંપી હતી.

ત્યારે આ મામલે મૃતક યુવકની પત્નિએ ઓઢવ પોલીસ મથકે સસરા અને દિયર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર