અમદાવાદ : મેમ્કો વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ચારની ધરપકડ

મોબાઇલ લૂંટ દરમિયાન આરોપીઓએ ચાકુના ઘા મારી કરી હતી હત્યા

શહેરના નરોડા રોડ પર મેમ્કો ખાતે રાજીવ ભવન સામે થયેલી પરપ્રાંતિય યુવકની હત્યાનો ભેદ ઉકેલી શહેરકોટડા પોલીસે ચાર આરોપીઓને દબોચી લીધા છે. સામાન્ય મોબાઇ લૂંટ દરમિયાન ઝપાઝપીમાં મૂળ ઉત્તરપ્રદેશના યુવકને ગુપ્તભાગમાં છરીઓના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મૂળ ઉત્તરપ્રદેશન અને હાલ અમદાવાદમાં મંજૂરી કામ કરતા રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહ રવિવારે સાંજે કારખાનાથી નોકરી કરી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન મેમ્કો વિસ્તારમા આવેલા રાજીવ ગાંધી ભવન નજીક કરણ ઉર્ફે જાડીયો પટણી, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, રાકેશ ઉર્ફે વિશાલ પટણી અને ચિરાગ ઊર્ફે ચીન્ટુએ આંતરી મોબાઇલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસ તપાસમા સામે આવ્યુ કે, મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે, અને બાપુનગરની શ્રી રામદેવ ઈન્ડસ્ટ્રીઝમા મજૂરી કરતો હતો. હત્યાની રાત્રે તે રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે આરોપીએ તેની પાસેથી મોબાઈલની માંગ કરી હતી, જે ન આપતા આ હત્યા થઈ હતી.

આ ઉપરાંત આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ તે નરોડા અને ત્યાંથી કૃષ્ણનગર ભાગ્યા હતા. આરોપીઓએ તે જ રાત્રે ક્રુષ્ણનગરમાં વધુ એક મોબાઈલની લુંટ ચલાવી હતી. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ પૈકી ત્રણ આરોપી ચમનપુરામાં રહે છે અને એક આરોપી સાબરમતી વિસ્તારમાં રહે છે. હાલ આ મામલે પોલીસે ચારેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 60 ,  1